વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વૈશ્વિક સ્તરે અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. ત્યારે વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારિતાના વિઝનને આગળ ધપાવતા ૬૦ જેટલા કલ્યાણકારી પગલાઓ લીધા છે. જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા પહોંચ્યા છે. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી કૃષિ-ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ તથા જીએસટીમાં ઘટાડાના નિર્ણયથી સહકારી મંડળીઓ તથા દૂધ મંડળીઓને તેનો સીધો લાભ મળશે.
GST ઘટાડાના નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોની બચતમાં વધારો કરવાનો અને ખેડૂતો સહિત નાના વેપારીઓને પ્રોત્સાહન આપવાનો છે. સાથોસાથ સ્વદેશી ઝુંબેશથી સમગ્ર દેશમાં આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો છે, જેના કારણે ખેડૂતો સહિત ગ્રાહકો અને વેપારીઓ બંનેને લાભ થઈ રહ્યો છે. જિલ્લાના સહકારી મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, સભાસદો, નાના વેપારીઓ, ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે, ત્યારે વડાપ્રધાનશ્રી દ્વારા લેવાયેલા આ દૃઢ નિર્ણયોથી ખુશ સુરતના પશુપાલકો તથા સહકારી મંડળીના સભાસદો વડાપ્રધાનશ્રીને ૮ લાખ પોસ્ટકાર્ડ પાઠવીને આભાર વ્યકત કરશે.
આજે માંગરોળ તાલુકાના ગીજરમ ગામે ગીજરમ દૂધ મંડળીના ૨૭૧ સભાસદો તથા ગીજરમ સેવા મંડળીના ૨૦૦ સભાસદોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ લખ્યા હતા. ગીજરમ દૂધ મંડળીના પ્રમુખ સફીયાબેન કડીવાલા, સરપંચ કમુબેન વસાવા, ગીજરમ સેવા મંડળીના પ્રમુખ મહેન્દ્રસિંહ સોલંકી અને કમિટીના સભ્યો પોસ્ટકાર્ડથી આભાર દર્શનની આ પહેલમાં જોડાયા હતા.
સહકારી ક્ષેત્રના ઉત્કર્ષ માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિવિધ હિતલક્ષી નિર્ણયો તથા યોજનાઓ અમલી થતા સહકારી મંડળીઓને થયો લાભવર્ષ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ઉપરાંત દેશનું સહકારી માળખું મજબૂત કરવા સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ખેડૂતો, પશુપાલકો તથા યુવાઓને સહકારી ક્ષેત્રમાં જોડાવા તથા રોજગારીની તકો ઉભી કરવા વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિવિધ હિતલક્ષી નિર્ણયો તથા યોજનાઓ અમલી કરાઇ છે. જેનાથી સહકારી મંડળીઓના સભાસદોને વિવિધ લાભ થયા છે. સહકારી મંડળીઓ તથા દૂધ ઉદ્યોગને તેનો સીધો લાભ મળ્યો છે. આ ક્ષેત્રો વધુ મજબૂત અને સક્ષમ બને તે માટે તાજતેરમાં સ્વદેશી, ‘વોકલ ફોર લોકલ’, વિદેશથી કૃષિ - દૂધ પ્રોડકટ આવતી અટકાવવાનો નિર્ણય તથા જીએસટી દરમાં ઘટાડો કરાયો છે. જેનાથી ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકો ખાસ કરીને આ ક્ષેત્ર સાથે જોડાયેલી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે. વડાપ્રધાનશ્રીના સહકારી ક્ષેત્રને મજબૂત તથા પશુપાલકોને સક્ષમ બનાવવાના આ નિર્ણયથી લાભાન્વિત થનાર સુરતના સહકારી મંડળીના સભાસદો તથા પશુપાલકો પોસ્ટકાર્ડના માધ્યમથી પોતાની લાગણી વ્યકત કરીને વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યકત કરશે.
સુમુલ ડેરી, સુડિકો બેન્ક, સુરત એપીએમસી, સહકારી ખરીદ વેચાણ સંઘ, સહકારી સુગર મિલો, દૂધ મંડળીઓ પોસ્ટ કાર્ડથી આભાર દર્શન ઝુંબેશમાં જોડાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સહકાર મંત્રાલય શરૂ કરવા અને સહકાર મંત્રાલય દ્વારા ખેડૂતો પશુપાલકોના હિતમાં સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પગલાઓ, જી.એસ.ટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે અત્યારસુધી લેવાયેલા હિતલક્ષી નિર્ણયો બદલ સુમુલ, સુડિકો બેન્ક, સુરત એપીએમસી, સહકારી ખરીદ વેચાણ સંઘ, વિવિધ સહકારી સુગર મિલો, દૂધ મંડળીઓ તેમજ અન્ય સહકારી સેવા મંડળીઓના સભાસદો કુલ ૮ લાખ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરશે. ૩૦ સપ્ટેમ્બર સુધી તમામ પોસ્ટકાર્ડ વડાપ્રધાનશ્રીને પાઠવી દેવાશે.
સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર શ્રી હરેશ કાછડે જણાવ્યું કે, દેશબહારથી આયાત કરાતી કૃષિ અને ડેરીના ઉત્પાદનો પરની રોકના કારણે પશુપાલકો તથા સહકારી મંડળીઓને સીધો ફાયદો થયો છે. ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ વધુ આત્મનિર્ભર બનશે ત્યારે પોસ્ટકાર્ડના માધ્યમથી વડાપ્રધાનશ્રીને પહોંચાડીને તેનો આભાર વ્યકત કરવામાં આવી રહ્યો છે.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login