ADVERTISEMENT

ADVERTISEMENT

રૂપાલા સહીત હવે ભાજપ સામેનો વિરોધ પ્રચંડ બન્યો, ક્ષત્રિયાણીઓ રણચંડી બની.

જામનગરમાં ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મહિલાઓ રણચંડી બની, રૂપાલા અને ભાજપ હાય હાયના નારા લગાવી ખુરશીઓ ઉલાળી હતી.

જામનગર ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂનમ માડમ / X @Jitulaljamnagar

આ ક્ષત્રિય સમાજને લઈને રૂપાલાએ કરેલા નિવેદન બાદ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલો વિવાદ કોઈપણ રીતે શાંત પડવાનું નામ નથી લેતો. મતદાન કરવાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ક્ષત્રિયોમાં વિરોધનો વંટોળ વધુ તેજ બની રહ્યો છે. ક્ષત્રિયો હવે માત્ર રૂપાલા નહીં પરંતુ ભાજપ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. આ તમામ બાબતોમાં ક્ષત્રિયો ભાજપની કોઈપણ રેલી હોય કે સભા હોય ત્યાં પહોંચીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એ પછી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કેમ ન હોય, ત્યાં પણ ક્ષત્રિય યુવાનો પહોંચીને તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે. તાજેતરમાં બનેલી ઘટના પ્રમાણે ભાજપના ઉમેદવાર પૂનમ માડમની રેલીમાં પણ ક્ષત્રિય યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમ જ ગઈકાલે નવાગામના ઘેડ અને કાલાવડમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. ગઈકાલે તો ક્ષત્રિયાણીઓ રણચંડી બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમણે ભાજપના બેનર ની સાથે સાથે ખુરશીઓ પણ તોડીને ઉલાળી હતી.

કાલાવડ મુકામે જ્યારે પૂનમબેન માડમ નો રોડ શું યોજાયો હતો. ત્યારબાદ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જાહેર સભા નું પણ આયોજન હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય અને રાજપૂત સમાજના લોકો દ્વારા ઉગ્ર સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ભાજપ અને રૂપાલાની હાય હાય બોલાવવામાં આવી હતી. જોકે ક્ષત્રિય યુવાનો સભા સ્થળે પહોંચીને કોઈપણ હલ્લો કરે તે પહેલા જ પોલીસે તેમને અટકાવ્યા હતા.

હાલનો માહોલ જોતા લાગી રહ્યું છે કે, જેમ જેમ ગુજરાતમાં મતદાન ની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ ક્ષત્રિય પોતાની તાકાત વધુ જોરથી બતાવી રહ્યા છે. આ સમગ્ર મામલે પુરુષોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી માફી માંગી ચુક્યા હોવા છતાં ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર નથી. શરૂઆતથી તેમની એક જ માંગ રહી છે કે ભાજપ દ્વારા રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવામાં આવે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને બે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યા હતા. પરંતુ તે બાબત પણ ભાજપે ધ્યાને ન લેતા ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા પાર્ટ ટુ આંદોલન શરૂ કરાયું છે. જેમાં હવે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો અને મહિલાઓ સામે આવીને ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.

ઘેડ ખાતે વિરોધ / Screenshot from video

જામનગર શહેરમાં જ વોર્ડ નંબર 4-5માં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના ભાઈઓ તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને ઉગ્ર સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં રૂપાલા ની સાથે સાથે ભાજપ હાય હાય ના પણ નારા લાગ્યા હતા. મહિલાઓએ પોતાનું રણચંડી સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ભાજપના લગાવવામાં આવેલા બેનરો ફાડવામાં આવ્યા હતા. તેમજ ટેબલ પર ચઢીને તેમણે સૂત્રોચાર કર્યા હતા અને ખુરશીઓ ઉલાળીને એક જગ્યાએ ઢગલો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ બંદોબસ્ત ચુસ્ત હોવાને કારણે પોલીસ દ્વારા પણ આ વિરોધ કરનારાઓને અટકાવીને મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

શરૂઆતમાં વિરોધ માત્ર પુરુષોત્તમ રૂપાલા સામે જ હતો અને ક્ષત્રિય સમાજ એ ત્યારે કહ્યું પણ હતું કે માત્ર પુરુષોત્તમ રૂપાલા ને રાજકોટ બેઠકથી હટાવી લો અમારો વિરોધ પૂર્ણ થઈ જશે. પરંતુ ભાજપ મોવડી મંડળ દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા આખરે ક્ષત્રિયો દ્વારા પોતાની રીતે પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું. ફોર્મ પાછું ખેંચવાની તારીખ સુધી પણ ક્ષત્રિય સમાજ માત્રને માત્ર રૂપાલાના વિરોધમાં બહાર આવ્યું હતું. પરંતુ ત્યારબાદ રૂપાલા પાર્ટ ટુ શરૂ કરવામાં આવતા ભાજપના દરેક નેતાઓની રેલી અને જાહેર સભામાં વિરોધ કરવાનો તેમણે નક્કી કર્યું હતું અને તેને પગલે જ પૂનમબેન માડમ સહિત જીતુ વાઘાણી ની સામે પણ કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના કાળિયાબીડ વોર્ડમાં ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે 50 જેટલા ક્ષત્રિય યુવાનોએ કાળાવાવટા સાથે સૂત્રોચાર કર્યો હતો.

મહિલાઓ રણચંડી બની હતી. / Screenshot from video

આ જ પ્રમાણે લખતરમાં પણ ભાજપના કાર્યાલયમાં ઘૂસીને ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા વિરોધ નોંધાયો હતો. ઉપરાંત કાર્યાલયની બહાર પણ રાજપુત કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલા હાય હાય ની સાથે 'જય ભવાની ભાજપ જવાની' ના નારા લગાવ્યા હતા. તેમજ વડગામમાં પણ પોલીસ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોય તેવા બનાવો બન્યા હતા.

એટલે કહી શકાય કે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને જે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તે પ્રમાણે ભાજપ દ્વારા પગલાં લેવામાં ન આવતા ક્ષત્રિય સમાજ વધુ રોષે ભરાયો છે. ભાજપનું મોવડી મંડળ ક્યાંક એમ વિચારતો હોય કે, આ વિવાદ પણ મતદાન પહેલા શમી જશે અને ઘીના ઠામમાં ઘી ઠરી જશે. તો હજુ પણ માહોલ જોતા લાગી રહ્યું છે કે, ભાજપ કોઈક ભૂલ કરી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં મતદાનને હવે આંગળીના વેઢે ગણાય તેટલા જ દિવસો બાકી છે ત્યારે ક્ષત્રિય સમાજ હઠ મુકવા તૈયાર નથી અને બીજી તરફ ભાજપ પણ પોતાની જીદ છોડવા તૈયાર નથી. ગુજરાત ભાજપના આલા નેતાઓ દ્વારા જે તે વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરીને મામલો થાળે પાડવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. પરંતુ તેમાં પણ ક્યાંય સફળતા જોવા મળી રહી નથી. એટલે હવે તારીખ 7 મેનના રોજ જ્યારે મતદાન થશે ત્યારે કેટલા મતદારો બહાર નીકળે છે તે જોવાનું રહેશે અને મતદાન સમયે પણ ક્ષત્રિય આગેવાનો કે યુવાઓ કેવી રીતે મતદાન કરાવે છે તે જોવાનું રહેશે.

ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં ભાજપને ક્યાંક મોટું નુકસાન જાય તો નવાઈ નહીં. કારણકે જે આંદોલનને ભાજપ સામાન્ય અથવા દબાવી દેશે તેવું માનીને ચાલી રહ્યું હતું. તે આંદોલન અત્યારે મોટું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને કદાચ જ્યારે ચાર જૂન ના રોજ મત પેટીઓ ખુલશે ત્યારે તેનું પરિણામ ભાજપની વિરુદ્ધ આવવાની શક્યતાઓ હાલના માહોલ પ્રમાણે દેખાઈ રહી છે.

Comments

Related