નર્સિંગ એસોસિએશન દ્વારા ૧૨મી મે ‘આંતરરાષ્ટ્રીય નર્સ ડે’ના ભાગરૂપે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦૨૫ની થીમ 'OUR NURSES, OUR FUTURE, CARING FOR NURSES STRENGTHENS ECONOMIES' એટલે કે નર્સિસ આપણું ભવિષ્ય, તેમની સંભાળથી અર્થતંત્ર મજબૂત બને’ વિષય ઉપર નર્સ દિવસની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં હોસ્પિટલની નર્સિંસ બહેનોએ રક્તદાન કરીને ૩૦ યુનિટ રક્ત એકત્ર કરી સિવિલ બ્લડ બેન્કમાં જમા કરાવી ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ ઉજવ્યો હતો. નર્સિંગ બહેનોને ધારાસભ્ય સંગીતાબેન પાટીલે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું. નર્સિંગ એસોસિએશનના પાંચ પ્રતિનિધિઓએ નેગેટિવ બ્લડ ગ્રુપનું રક્તદાન કર્યું હતું.
‘કેચ ધ રેઈન’ અને પાણી બચાવોના પોસ્ટર કાર્ડ સાથે સિવિલની નર્સિંગ સ્ટાફગણે ઓપરેશન સિંદૂર બાદ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને રક્તદાન કરીને સાદાઈથી ઉજવણી કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેને જણાવ્યું કે, નર્સિસ સ્ટાફ હોસ્પિટલમાં ૨૪x૭ દર્દીઓની સેવામાં સમર્પિત હોય છે. બિમાર દર્દીઓના ચહેરા પર સ્મિત લાવવામાં તબીબો સાથે નર્સિંગ સ્ટાફ મહત્વની ભૂમિકા અદા કરે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ, પોષણ અને વિકાસ માટે પાણી આવશ્યક કુદરતી સંસાધન છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં જળ સંચય માટે ‘કેચ ધ રેઈન’ અભિયાનની જનજાગૃતિ માટે નર્સિંગ સ્ટાફે કરેલી વિશેષ કામગીરી ખૂબ સરાહનીય છે.
નર્સિંગ બહેનો હંમેશા સેવા, સહાનુભૂતિ અને સમર્પણ ભાવનાથી સભર હોય છે એમ શ્રીમતિ પાટીલે જણાવ્યું હતું. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબો સાથે ૭૦૦થી વધુ નર્સિંગ સ્ટાફ દર્દીનારાયણની સેવામાં સમર્પિત રહે છે. નર્સીસ દર્દીઓ અને તેમના પરિજનો સાથે આત્મીયતાથી જોડાયેલ હોય છે. નર્સિંગ સ્ટાફનું સમર્પણ આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટું યોગદાન છે. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાત ઝડપથી વિકસતું એક અગ્રીમ રાજ્ય બની રહ્યું છે. અહીં વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મેડિકલ ટુરિઝમ હબ તરીકે ઉભરી રહ્યા છે, ત્યારે આરોગ્ય ક્ષેત્રે નર્સિસના યોગદાનથી જ આપણી આરોગ્ય વ્યવસ્થાઓ મજબૂત અને અસરકારક બની શકે છે એમ તેમણે ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, વિશ્વની પ્રથમ નર્સ ફલોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ૨૦૦ વર્ષ પૂર્વે ૧૨ મે, ૧૮૨૦માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઈટિંગેલે માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી. ફ્લોરેન્સને ‘લેડી વિથ લેમ્પ‘ કહેવામાં આવે છે. નર્સિંગ ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર નર્સોને નાઈટિંગેલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવે છે. નર્સ એ કોઈ પણ હોસ્પિટલનું હદય છે અને કોઈ પણ હોસ્પિટલ કે ડોક્ટર તેમની હાજરી વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતા નથી. કોરોનાની પરિસ્થિતિમાં નર્સિગ સ્ટાફ સેવાપરાયણતાના ભાવ સાથે પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવી હતી.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login