ADVERTISEMENT

ADVERTISEMENT

ફિલાડેલ્ફિયામાં પિઝા ડિલિવરી દરમિયાન ભારતીય યુવકની ગોળી મારી હત્યા

ખાલી ફ્લેટના સરનામે ઓર્ડર આપી યુવકને નિશાન બનાવાયો હોવાની દિશામાં પોલીસ તપાસ

 પ્રતીકાત્મક તસ્વીર પ્રતીકાત્મક તસ્વીર / Pexels

ભારતના હૈદરાબાદના 28 વર્ષીય યુવક અંશુલ કુંચાની અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયામાં પિઝા ડિલિવરી દરમિયાન ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 5 જૂનની વહેલી સવારે બની હતી.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, હૈદરાબાદના ગુંડલપોચમ્પલ્લી વિસ્તારના રહેવાસી અંશુલ કુંચા ફિલાડેલ્ફિયાના નોર્થ ફિલાડેલ્ફિયામાં આવેલા રેમન્ડ રોઝન હોમ્સ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં પિઝા ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. ઘટના રાત્રે લગભગ 12:30 વાગ્યે એજ્લી સ્ટ્રીટ વિસ્તારમાં બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ, ગોળીબારની માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ અંશુલને કોર્ટયાર્ડ વિસ્તારમાં બેભાન હાલતમાં શોધ્યા હતા. તેમના માથામાં ગોળી વાગેલી હતી. તેમને તાત્કાલિક ટેમ્પલ યુનિવર્સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં થોડા સમય બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને ન્યૂયોર્ક સ્થિત ભારતીય કૉન્સ્યુલેટે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.

કૉન્સ્યુલેટે જણાવ્યું હતું કે, "ફિલાડેલ્ફિયામાં ભારતીય નાગરિક શ્રી અંશુલ કુંચાના અકાળ અવસાનથી અમે ખૂબ દુઃખી છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. કૉન્સ્યુલેટ અંશુલના પરિવારના સંપર્કમાં છે અને શક્ય તમામ મદદ કરી રહ્યું છે."

ફિલાડેલ્ફિયા પોલીસ વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર સ્કોટ સ્મોલના જણાવ્યા મુજબ, અંશુલને હાઉસિંગ કોમ્પ્લેક્સના એક ફ્લેટમાં પિઝા પહોંચાડવાનો ઓર્ડર મળ્યો હતો. જોકે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે ફ્લેટનું સરનામું આપવામાં આવ્યું હતું તે ખાલી હતું.

પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ ખાલી કારતૂસ મળ્યા હતા, જેના આધારે માનવામાં આવે છે કે હુમલાખોર ખૂબ નજીકથી ગોળીબાર કર્યો હતો. ખાલી ફ્લેટની અંદરથી ત્રણ પિઝાના બોક્સ અને ડિલિવરી બેગ મળી આવી હતી.

પિઝા અસ્પર્શિત હાલતમાં મળતાં તપાસકર્તાઓનું માનવું છે કે અંશુલે ડિલિવરી પૂર્ણ કર્યા બાદ બહાર નીકળતાં જ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પિઝાનો ઓર્ડર પીટ્સ પિઝા નામની દુકાનથી આપવામાં આવ્યો હતો, જ્યાં અંશુલ ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. તેમની કાર પણ ઘટનાસ્થળ નજીકથી મળી આવી હતી, જેમાં પિઝા વોર્મર રાખેલું હતું.

પોલીસ હાલ ફિલાડેલ્ફિયા હાઉસિંગ ઓથોરિટી દ્વારા સંચાલિત સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. ફૂટેજમાં અંશુલ પિઝાના બોક્સ લઈને જતા દેખાઈ રહ્યા છે, જ્યારે તેમની પાછળ કાળા કપડાં પહેરેલા બે લોકો ચાલતા જોવા મળે છે. તેમાંના એક વ્યક્તિ પાસે ડાર્ક કલરનો બેકપેક હોવાનું પણ દેખાઈ રહ્યું છે.

જોકે ગોળીબારની ઘટના કેમેરામાં કેદ થઈ નથી, પરંતુ તપાસકર્તાઓ માને છે કે આ ફૂટેજથી મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. પોલીસે ઓર્ડર આપવા માટે ઉપયોગમાં લેવાયેલા ફોન નંબરની પણ ઓળખ કરી છે અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.

આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related