ADVERTISEMENT

ADVERTISEMENT

ટાટાની તનિષ્ક જ્વેલરીએ વર્જિનિયામાં પ્રથમ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું

અમેરિકામાં તનિષ્કના હવે કુલ આઠ સ્ટોર્સ થયા, આ મહિનાના અંત સુધીમાં ઓર્લાન્ડો અને બોસ્ટનમાં બે મોટા ફ્લેગશિપ સ્ટોર્સ ખુલશે

આ કાર્યક્રમમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા મુખ્ય મહેમાન હતા, અને વર્જિનિયા રાજ્યના સેનેટર કન્નન શ્રીનિવાસન સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. / Shinjini Ghosh

અમેરિકાના ડીએમવી (વોશિંગ્ટન ડીસી-મેરીલેન્ડ-વર્જિનિયા) વિસ્તારમાં ભારતીય મૂળના લોકો માટે સોના-હીરાના દાગીનાની વિશાળ શ્રેણી લઈને ભારતની જાણીતી જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક તા. ૨ ડિસેમ્બરે વર્જિનિયાના ટાયસન્સમાં પોતાના પ્રથમ સ્ટોરનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. આની સાથે જ ટાટા ગ્રૂપની આ બ્રાન્ડ અમેરિકામાં હવે કુલ આઠ સ્ટોર્સ ધરાવે છે.

આ મહિનાના અંતમાં ફ્લોરિડાના ઓર્લાન્ડો તથા મેસેચ્યુસેટ્સના બોસ્ટનમાં બે મોટા ફ્લેગશિપ સ્ટોર્સનું પણ ઉદ્ઘાટન થનાર છે.

ઉદ્ઘાટન પ્રસંગે અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વર્જિનિયા રાજ્યના સેનેટર કન્નન શ્રીનિવાસન તથા ટાટા સન્સ નોર્થ અમેરિકાના રેસિડેન્ટ ડિરેક્ટર માઇકલ મેકકેબ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

ટાયસન્સમાં આવેલું આ સ્ટોર ગત ૮ ઓગસ્ટથી ગ્રાહકો માટે ખુલ્લું મૂકાયું હતું. ગ્રાહકો તરફથી મળેલા અપાર પ્રતિસાદ અંગે ટેનિસ્કના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (કેટેગરી, માર્કેટિંગ અને રિટેલ) અરુણ નારાયણે જણાવ્યું હતું કે, “અમારી આ યાત્રા ઉર્જાથી ભરપૂર અને હૃદયસ્પર્શી રહી છે.”

“અમેરિકામાં અત્યાર સુધીમાં લગભગ ૮૦,૦૦૦ ગ્રાહકો મેળવી ચૂક્યા છીએ. આ સફર અમારા સપનાઓને પણ વટાવી ગઈ છે. ભારતીય મૂળના અમારા ગ્રાહકોને ખૂબ ખૂબ આભાર,” એમ તેમણે ઉમેર્યું હતું.

ભારતીય કંપનીઓ અમેરિકામાં પોતાનો વિસ્તાર વધારી રહી છે તેના મહત્વ પર પ્રકાશ પાડતાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના નોર્થ અમેરિકા હેડ સુચિતા સોનાલિકાએ જણાવ્યું હતું કે લગભગ ૧૬૦ ભારતીય કંપનીઓએ અમેરિકી અર્થતંત્રમાં ૪૦ અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

“ભારતીય કંપનીઓના અમેરિકામાં વિસ્તરણની આ એક અદ્ભુત વાર્તા છે. અમારા રોકાણો અને નોકરીઓનું સર્જન અહીં મજબૂત રીતે ચાલુ છે, જેનાથી અમેરિકામાં સ્થાનિક અસર પણ નોંધપાત્ર થઈ છે,” એમ તેમણે કહ્યું.

આશરે ૫,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સ્ટોરમાં ૫,૦૦૦થી વધુ અલગ-અલગ ડિઝાઇનના દાગીના ઉપલબ્ધ છે. ટાઇટન કંપની લિમિટેડના નોર્થ અમેરિકા બિઝનેસ હેડ અમૃત પાલ સિંઘે જણાવ્યું હતું કે દેશમાં આ સૌથી મોટા સ્ટોર્સમાંનું એક છે.

“રોજિંદા પહેરવા માટેના, પરંપરાગત પ્રસંગો માટેના કે કોકટેલ પાર્ટીઓ માટેના – દરેક પ્રસંગને અનુરૂપ દાગીનાઓની સંપૂર્ણ શ્રેણી અહીં ઉપલબ્ધ છે,” તેમણે જણાવ્યું.

કંપનીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં અમેરિકાભરમાં ૩૦થી વધુ લક્ઝુરી બુટિક સ્ટોર્સ ખોલવાની યોજના છે. આ વર્ષે જ તનિષ્ક વોશિંગ્ટનના રેડમન્ડ તથા જ્યોર્જિયાના એટલાન્ટામાં નવા સ્ટોર્સ શરૂ કર્યા છે, જ્યારે ન્યૂ જર્સી, હ્યુસ્ટન, ડલાસ અને શિકાગોમાં પહેલેથી જ તેના સ્ટોર્સ કાર્યરત છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video