ADVERTISEMENT

ADVERTISEMENT

આખરે પુરુષોત્તમ રૂપાલાએ લાભ ચોઘડિયામાં ફોર્મ ભરી જ દીધું.

સામાન્ય રીતે ભાજપના કોઈપણ ઉમેદવાર વિજય મુહૂર્ત એટલે કે બપોરે 12:39 વાગ્યે ફોર્મ ભરતા હોય છે પરંતુ રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ લાભ ચોઘડિયામાં જ ફોર્મ ભર્યું હતું.

ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચેલા પુરુષોત્તમ રૂપાલા / X /@PRupala

છેલ્લા 20 કરતા વધુ દિવસ થી ચર્ચાની એરણે ચઢેલી ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક અને તેના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ઘણી આટીંઘુંટીઓ બાદ આખરે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. આખરે તેમણે લોકસભા માટે રાજકોટ બેઠકથી પોતાની ઉમેદવારી નોંધાવી જ દીધી છે. ક્ષત્રિય સમાજના વિરોધનો ભોગ બનેલ પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી નોંધાવી શકશે કે કેમ ? કે પછી ભાજપ તેમની ટિકિટ રદ્દ કરશે કે ક્ષત્રિયો રૂપાલા ની ટિકિટ રદ્દ કરાવશે ? આ તમામ સવાલો વચ્ચે આજે રૂપાલા એ ઉમેદવારી ફોર્મ ભરીને તેનો જવાબ આપી દીધો છે. જોકે હજુ પણ ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની તારીખ 19 છે તે પેહલા કંઈક નવા જૂની થવાના એંધાણ તો વર્તાઈ રહ્યા છે. કારણ કે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે રાજ્યના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ગૃહ મંત્રીની બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો હોવાનું જાણવા મળ્યું નથી.

વિવાદમાં રહેલ રાજકોટ લોકસભા બેઠક અને તેના ઉમેદવાર રૂપાલા એ આજે શક્તિ પ્રદર્શનની સાથે સાથે જંગી જાહેરસભાને સંબોધી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કલેકટર કચેરી ખાતે પહોંચી રૂપાલાએ કલેક્ટરને ફોર્મ રજૂ કર્યું હતું.  રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા જાગનાથ મંદિરે રૂપાલા એ દર્શન કરીને રેલી સ્વરૂપે બહુમાળી ચોક ખાતે પહોંચ્યા હતા. અહીં તેમને જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતું. હજારોની સંખ્યામાં ઉમટેલા સમર્થકોનું અભિવાદન રૂપાલા એ રામ રામ કહી ને કર્યું હતું. પુરુષોત્તમ રૂપાલાની સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા અને ભાજપ પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અગત્યની અને જોવા જેવી વાત એ છે કે આજ સુધી કોઈપણ ચૂંટણીમાં ભાજપનો કોઈપણ ઉમેદવાર વિજય મુહૂર્ત એટલે કે બપોરે 12:39 વાગ્યે જ ફોર્મ ભરે છે. પરંતુ આજે રૂપાલા એ વિજય મુહૂર્તને બદલે લાભ ચોઘડિયું એટલે કે 11:15થી 11:30માં ફોર્મ જમા કરાવ્યું હતું. સાથે જ તેમણે તેમની સંપત્તિ અંગેની એફિડેવિટ પણ રજૂ કરી હતી. જેમાં તેમની કે તેમની પત્ની પાસે કોઈપણ કાર ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. પત્ની પાસે 81 લાખ રૂપિયાનું સોનુ છે. તેમજ બંને પાસે પોણા 6 કરોડ રૂપિયાની જંગમ મિલ્કત હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રૂપાલા પાસે એક વિદેશી બનાવટની પિસ્તોલ પણ છે.

વિશાળ રેલી સાથે રૂપાલા, વિજય રૂપાણી, વજુભાઇ વાળા. / X /@PRupala

ક્ષત્રિય સમાજ દેશહિત માટે વિચારશે - રૂપાણી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તમામ આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં ફોર્મ ભરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગર ખાતે બેઠકો ચાલુ છે અને વાટાઘાટો બાદ ક્ષત્રિય સમાજ દેશહિતમાં નિર્ણય લેશે તેવો રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે કોંગ્રેસ નો કોઈપણ ઉમેદવાર સામે હોય પણ લોકો નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવશે.

ફોર્મ ભરતાં પેહલા રૂપાલાએ વિશાળ જનસભા સંબોધી હતી જેમાં તેમણે તેમની સ્પીચની શરૂઆત રામરામ સાથે કરી હતી અને ત્યારબાદ કહ્યું હતું કે, "નેતાઓની સાથે ઉદ્યોગપતિઓ તેમજ શાળા સંચાલકો સહિતનાઓનો આભાર વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, મોરબીના ગઈકાલના કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું. જે આવ્યાં છે તે તો મત આપશે જ, પણ આખા મલકને કહેજો કે ભાજપને મત આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષથી વધુના લોકોને આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરી તેના માટે મત આપવો જોઈએ. દેશમાં ભાજપ સરકાર બનશે અને તેના પ્રથમ 100 દિવસમા શું કરવાનું તેનુ પ્લાનિંગ સચિવાલય કરી રહ્યું છે. બધાને 100 ટકા મતદાન કરવાની અપીલ પણ કરી છે."

રૂપાલાના સમર્થનમાં આવેલ કાર્યકરો સનાએ સ્થાનિકો. / X /@PRupala

જનસભા સંબોધતી વખતે રૂપાલાએ સ્ટેજ પરથી ક્ષત્રિય સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો. તેમજ તેમણે વિનંતી પણ કરી હતી કે, મન મોટું રાખીને ભાજપના વિજયમાં આપ સૌ જોડાઓ, આપના સહયોગની અમને જરૂર છે. 

હવે ફોર્મ ભરાઈ ગયા બાદ ક્ષત્રિય સમાજ શું સ્ટેન્ડ લે છે તે જોવાનું રહેશે, ભાજપના હોદ્દેદારો સાથે બંધ બારણે ચાલી રહેલ મિટિંગમાં કોઈ નિવેડો આવશે કે કેમ? ભાજપ રુપાલાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચાવશે ? કે ક્ષત્રિયોમન મોટું રાખીને નમતું જોખશે ? આ તમામ બાબતો આવનારી 19 તારીખ સુધીમાં જ ક્લિયર થશે.

Comments

Related