ADVERTISEMENT

ADVERTISEMENT

નવા ટેરિફ વિવાદ વચ્ચે કેનેડાએ અમેરિકાની હાજરી વગર બોર્ડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

અમેરિકાના નવા ટેરિફ બાદ સંયુક્ત સમારોહ રદ કરાયો; ટ્રમ્પે સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા આપી.

 ગોર્ડી હોવ ઇન્ટરનેશનલ બ્રિજ ગોર્ડી હોવ ઇન્ટરનેશનલ બ્રિજ / Wikipedia

કેનેડાએ 24 જુલાઈએ અમેરિકા સાથે જોડતા ગોર્ડી હો બ્રિજનું ઉદ્ઘાટન એકલા હાથે કર્યું. આ પહેલાં બંને દેશોનો સંયુક્ત ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો હતો, પરંતુ આ અઠવાડિયે અમેરિકાએ કેનેડાની અનેક પ્રોડક્ટ્સ પર નવા ટેરિફ જાહેર કર્યા બાદ તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો.

કેનેડાના હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રી ગ્રેગર રોબર્ટસને કેનેડિયન બાજુ યોજાયેલા સમારોહમાં જણાવ્યું કે, "આ બ્રિજ એ વાતનો પુરાવો છે કે જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે શું કંઈ બનાવી શકીએ છીએ." જોકે બ્રિજ પર વાહનવ્યવહાર 20 જુલાઈથી શરૂ થઈ ગયો હતો.

ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે અમેરિકા-કેનેડા સંબંધો અંગે કહ્યું કે, "છેલ્લાં કેટલાક વર્ષોમાં આપણા સંબંધોને પડકારોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ આપણે સાથે મળીને આગળ વધવાનું ચાલુ રાખવું જોઈએ."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ ઘટનાને લઈને તીખી પ્રતિક્રિયા આપી.

ટ્રમ્પે લખ્યું, "કેનેડાએ ગોર્ડી હો બ્રિજના ઉદ્ઘાટનમાં અમેરિકાને આમંત્રણ આપ્યું નહીં, જે ઠીક છે, કારણ કે હવે કેનેડા અમેરિકાને નોંધપાત્ર ટેરિફ ચૂકવી રહ્યું છે."

તેમણે વધુમાં દાવો કર્યો કે, "અમે કરારની શરતોમાં ફેરફાર કર્યો છે અને હવે અમેરિકાને બ્રિજના નફામાંથી 50 ટકા હિસ્સો મળશે."

આ 2.5 કિલોમીટર (1.5 માઇલ) લાંબો બ્રિજ અમેરિકાના ડેટ્રોઇટ શહેરને કેનેડાના વિન્ડસર શહેર સાથે જોડે છે. બ્રિજનું નામ કેનેડામાં જન્મેલા અને અમેરિકાની ટીમો માટે રમેલા પ્રખ્યાત આઇસ હોકી ખેલાડી ગોર્ડી હોના નામ પર રાખવામાં આવ્યું છે.

બ્રિજના નિર્માણનો ખર્ચ 6.4 અબજ કેનેડિયન ડોલર (આશરે 4.5 અબજ અમેરિકન ડોલર) આવ્યો હતો. 2018માં શરૂ થયેલા આ પ્રોજેક્ટનો સમગ્ર ખર્ચ કેનેડાએ ઉઠાવ્યો હતો.

સોમવારે ટ્રમ્પે કેનેડાની ઘણી વસ્તુઓ પર 50 ટકા આયાત શુલ્ક (ટેરિફ) લગાવવાનો આદેશ આપ્યો હતો, જે આગામી 30 દિવસમાં અમલમાં આવશે.

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું કે તેમની સરકાર નવા ટેરિફના જવાબમાં "તમામ વિકલ્પો" પર વિચાર કરી રહી છે. તેમણે એ પણ કહ્યું કે તેઓ અને ટ્રમ્પ આગામી અઠવાડિયામાં ચર્ચાઓ વધુ તેજ કરવાની બાબતે સહમત થયા છે.

ત્યારબાદ, મંગળવારે બ્રિજના નાણાકીય સંચાલન અંગેના પ્રસ્તાવિત કરાર જાહેર થયા બાદ કાર્નીની ટીકા થઈ હતી. વિરોધીઓનું કહેવું હતું કે આ કરાર અમેરિકાના પક્ષમાં વધુ અનુકૂળ છે.

કરારની શરતો મુજબ, બ્રિજમાંથી થતી ચોખ્ખી આવકના 50 ટકા જેટલી રકમ કેનેડાએ આગામી 15 વર્ષ સુધી અમેરિકાના આર્થિક વિકાસ ફંડમાં જમા કરાવવાની રહેશે.

જોકે ગુરુવારે કાર્નીએ સ્પષ્ટતા કરી હતી કે આ આવક વહેંચણી માત્ર ત્યારે જ લાગુ પડશે જ્યારે બ્રિજના બાંધકામ માટેના દેવાની હપ્તાની ચુકવણી કર્યા બાદ કોઈ વધારાની આવક બચશે. તેમણે જણાવ્યું કે 2012નો મૂળ કરાર હજુ પણ યથાવત છે.

કાર્નીએ પત્રકારોને કહ્યું, "આ સારો કરાર છે. મને આ બાબત વધુ સ્પષ્ટ રીતે સમજાવવી જોઈતી હતી."

ફેબ્રુઆરીમાં ટ્રમ્પે બ્રિજને સંપૂર્ણ રીતે બંધ કરવાની ધમકી આપી હતી. તેમનું કહેવું હતું કે બ્રિજના નિર્માણમાં અમેરિકા સાથે અન્યાય થયો છે અને આ પ્રોજેક્ટમાં અમેરિકાની ઓછામાં ઓછી 50 ટકા માલિકી હોવી જોઈએ.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?