ADVERTISEMENT

ADVERTISEMENT

ઓવૈસીને પડકારવા માટે ભાજપની મહિલા ઉમેદવાર મેદાને

મારી ટિકિટ ફાયનલ થયાના સમાચાર મળતા જ હૈદરાબાદના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. મને અભિનંદન આપવા હજારો લોકોના ફોન આવતા હતા. ત્યારે મને સમજાયુ કે આખું હૈદરાબાદ મારી સાથે છે અને મને હિંમત આપી રહ્યું છે.

હૈદરાબાદ સીટના ઉમેદવારો AIMIMના અસદુદ્દીન ઓવૈસી(ડાબે) ભાજપના માધવી લતા(જમણે) / સોશિયલ મીડિયા

લોકસભાની ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને દરેક પાર્ટીઓ પોતાની રીતે જોરશોરથી મેદાને ઉતરી ચુકી છે. દરેક પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારી દીધા છે. સમગ્ર દેશમાં કેટલીક એવી બેઠકો છે જેના પર આ ચૂંટણી દરમ્યાન તમામ મીડિયા, વિશ્લેષકો તેમજ રાજકારણમાં રસ ધરાવતા લોકોની નજર રહેતી હોય છે. આવી બેઠકોમાંની એક બેઠક એટલે તેલંગાણાની હૈદરાબાદ બેઠક. જ્યાંથી AIMIM ના મુખિયા ઓવૈસી હાલ લોકસભા સાંસદ છે.

કહેવાય છે કે આ બેઠક ખાસ કરીને ઓવૈસી નો ગઢ છે. કારણકે લગભગ 40 વર્ષોથી આ બેઠક પર ઓવૈસી પરિવારના સભ્યો જ ચૂંટાઈને આવે છે. હાલ છેલ્લી ચાર ટર્મથી અસદુદીન ઓવૈસી આ બેઠક પર જીતતા આવ્યા છે. આ પેહલા વર્ષ 1984થી તેમના પિતા સુલતાન સલાહુદ્દીન ઓવૈસીનો આ બેઠક પર કબ્જો હતો. તેઓ સતત 6 વખત આ બેઠક પરથી લોકસભા સાંસદ રહી ચુક્યા છે. એટલે કહી શકાય કે હૈદરાબાદની બેઠક પર છેલ્લા 40 વર્ષોથી ઓવૈસી પરિવારનું એકહથ્થુ શાશન ચાલી રહ્યું છે.

પરંતુ રાજકારણની વાત કરીયે તો ભાજપ છેલ્લા 10 વર્ષોથી તેલંગાણા માં પોતાની સ્થિતિ મજબૂત કરવા પર કામ કરી રહ્યું છે. જેના પરિણામે તેલંગાણામાં ભાજપનું પ્રદર્શન પેહલા કરતા સારું થયું છે. રાજકીય રીતે ભાજપ ક્યાંક ગાબડું પાડી રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણકે આંકડાકીય બાબતો પર નજર કરીયે તો 2014ની લોકસભા ચૂંટણીમાં અહીં ભાજપને 7% જેટલા જ વોટ મળ્યા હતા. પરંતુ 2023ની વિધાનસભામાં 15% મત મળ્યા હતા. જેનું પરિણામ એ છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર ભાજપા એ તેલંગાણામાં 8 સીટો પર જીત મેળવી હતી.

આ તો વાત થઇ પાછળ વર્ષોની અને ભાજપની મહેનતના પરિણામ ની પરંતુ હવે મૂળ વાત પર આવીયે તો આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં ઓવૈસી પરિવારની બેઠક પર ભાજપે હૈદરાબાદના હિન્દૂ પરિવારમાંથી આવતી માધવી લતાને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે. માધવી લતાને ટિકિટ આપવા પાછળનું ગણિત સમજવું હોય તો સીધી લીટીમાં સમજીયે કે, માધવી લતા છેલ્લા 20 વર્ષોથી અહીં સામાજિક કાર્યકર તરીકે કામ કરે છે. તે અનેક સંસ્થાઓ સાથે મળીને ગરીબ બાળકો અને પરિવારોને આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ પુરી પાડે છે. 

મુખ્ય બાબત એ છે કે સામાજિક કાર્ય કરતી માધવી જુના હૈદરાબાદમાં રહેતી પસમંદા મુસ્લિમ બહેનો માટે ઘણું કામ કરે છે. તેમના બાળકોના લગ્ન અને સારવાર કરાવવામાં પણ માધવી મદદ કરે છે. જેના માટે આ મુસ્લિમ મહિલાઓ માટે માધવીએ એ એક નાની બેન્ક પણ બનાવી છે. જેના કારણે આ મુસ્લિમ મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય છે માધવી લતા. જે પણ તેનું એક મજબૂત પાસું હોઈ શકે છે. અગત્યની વાત તો એ છે કે, ટ્રિપલ તલાક ને ખતમ કરવા માટે માધવીએ અહીં ખુબ મોટું અભિયાન ચલાવ્યું હતું. જેના થાકી જુના શહેર અને આ મુસ્લિમ મહિલાઓમાં ખુબ જ લોકપ્રિય બની ગઈ છે.

બીજું કે પોતાની હિન્દુત્વની ઇમેજને કારણે પણ માધવી હંમેશા ચર્ચા માં રહેતી હોય છે. તે હિન્દૂ અને ભારતીય સંસ્કૃતિ પર પ્રવચન પણ આપે છે. માધવીએ કોટી મહિલા કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું છે.



હૈદરાબાદથી ટિકિટ મેળવી તે માધવી માટે શોકિંગ હતું, એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં માધવીએ જણાવ્યું હતું કે, મારી ટિકિટ ફાયનલ થયાના સમાચાર મળતા જ હૈદરાબાદના લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. મને અભિનંદન આપવા હજારો લોકોના ફોન આવતા હતા. ત્યારે મને સમજાયુ કે આખું હૈદરાબાદ મારી સાથે છે અને મને હિંમત આપી રહ્યું છે.

આ વખતે ભાજપે હૈદરાબાદની સીટ પર કબ્જો કરવા માટે હિન્દુત્વનું પ્લેકાર્ડ રમ્યા છે તેવું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. હાલ હૈદરાબાદનો માહોલ એવો છે કે, ઠેર ઠેર જુના હૈદરાબાદથી લઈને નવા શહેર સુધી માધવી લતાની જ ચર્ચાઓ ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાં રસ્તાની આજુબાજુ માધવીના જ મોટા મોટા પોસ્ટર્સ લાગ્યા છે. આ ઓછું હોય તેમ પોસ્ટર્સ પર 'કટ્ટર હિન્દૂ શેરની' લખ્યું છે.

છેલ્લા 40 વર્ષોથી એકહથ્થુ શાશન કરતા ઓવૈસી પરિવારની આ વખતે પરંપરા તૂટશે કે પછી ફરી એકવાર હૈદરાબાદની જનતા તેમના અસદુદ્દીન ઓવૈસીને જીત અપાવશે ? ખૈર તે તો આગામી 13 તારીખે થનાર મતદાન જ બતાવશે, પરંતુ એક વાત અહીં નોંધવા જેવી છે કે, ભાજપે જે દાવ રમ્યો છે તે ક્યાંક હિન્દૂ મુસ્લિમ મતદારોને જોડતી કડી ને અહીં ગોઠવી દેવામાં આવી છે. માધવી હિન્દુત્વ ના મુદ્દે તો મજબૂત જ છે પરંતુ તેના સામાજિક કાર્યો અને ટ્રિપલ તલાક સહિત UCC અને અન્ય મુદ્દાઓને લઈને તે મુસ્લિમ મહિલાઓમાં પણ લોકપ્રિય છે. જે તેનું જમા પાસું ગણી શકાય.

Comments

Related