યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી માર્કવેન મુલિન / REUTERS/Jonathan Ernst
અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી સચિવ માર્કવેઇન મુલિને 2 જૂને જણાવ્યું કે 2026ના ફિફા વર્લ્ડ કપ પહેલાં અમેરિકી સત્તાવાળાઓ અત્યાર સુધીના સૌથી મોટા સુરક્ષા ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે. તેમણે આ ટૂર્નામેન્ટને "38 દિવસમાં 78 સુપર બાઉલ" સમાન ગણાવ્યું, કારણ કે લાખો ચાહકો ઉત્તર અમેરિકામાં પ્રવાસ કરવા આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)ના નાણાકીય વર્ષ 2027ના બજેટ અંગે સેનેટની એપ્રોપ્રિએશન્સ સબકમિટીની સુનાવણી દરમિયાન ધારાસભ્યોએ વિશ્વના સૌથી મોટા રમતગમતના આયોજનોમાંના એકની સુરક્ષા માટે વિભાગની તૈયારીઓ અંગે પ્રશ્નો પૂછ્યા હતા.
ટેનેસીના સેનેટર બિલ હેગર્ટીએ જણાવ્યું કે ટૂર્નામેન્ટના કારણે લાખો મુલાકાતીઓ અમેરિકા આવશે અને વૈશ્વિક સુરક્ષા ચિંતાઓ વચ્ચે DHS કયા પગલાં લઈ રહ્યું છે તે અંગે પૂછપરછ કરી હતી.
જવાબમાં મુલિને કહ્યું કે ફેડરલ, રાજ્ય અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને વ્યાપક આયોજન પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે વર્લ્ડ કપની સુરક્ષા એક અનોખો પડકાર છે, કારણ કે તેમાં મોટી સંખ્યામાં મેચો, અનેક શહેરોમાં આવેલા સ્ટેડિયમો અને લાખો મુલાકાતીઓ સામેલ છે.
મુલિનના જણાવ્યા મુજબ DHS તમામ યજમાન શહેરોની સ્થાનિક સરકારો અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે નજીકથી કામ કરી રહ્યું છે જેથી સ્ટેડિયમોની સુરક્ષા મજબૂત બને અને ભીડનું યોગ્ય સંચાલન થઈ શકે.
તેમણે જણાવ્યું કે સ્ટેડિયમોમાં સુરક્ષા તપાસ (સ્વીપ્સ), વિશાળ સુરક્ષા પરિઘ, ભીડભાડવાળા જોખમી વિસ્તારો ઘટાડવા અને ટ્રાફિક નિયંત્રણ જેવી કામગીરી સતત કરવામાં આવી રહી છે.
મુલિને ઉમેર્યું કે રાજ્ય સરકારો અને સ્થાનિક તંત્ર સાથે વ્યાપક સંકલન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે "સેન્ક્ચુરી સિટીઝ" સહિત તમામ શહેરો સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે, કારણ કે સૌ કોઈ વર્લ્ડ કપ દરમિયાન અમેરિકાની શ્રેષ્ઠ છબી દુનિયા સમક્ષ રજૂ કરવા માંગે છે.
સુરક્ષા કામગીરીના વ્યાપને વર્ણવતા તેમણે કહ્યું, "અમારી સામે 38 દિવસમાં 78 સુપર બાઉલ જેટલી મોટી જવાબદારી છે અને આશા છે કે અમે સંપૂર્ણ સુરક્ષા સાથે આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરીશું."
મુલિને સ્વીકાર્યું કે અગાઉના સરકારી શટડાઉનને કારણે કેટલીક યોજનાઓમાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ DHS હાલમાં ટૂર્નામેન્ટને કોઈ મોટી સુરક્ષા ઘટનાવિના સફળ બનાવવા સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
2026નો ફિફા વર્લ્ડ કપ અમેરિકા, કેનેડા અને મેક્સિકો દ્વારા સંયુક્ત રીતે આયોજિત થશે. આ ટૂર્નામેન્ટ અત્યાર સુધીની સૌથી મોટી વર્લ્ડ કપ સ્પર્ધા બનવાની છે, જેમાં 48 ટીમો ભાગ લેશે અને ઉત્તર અમેરિકાના અનેક શહેરોમાં રેકોર્ડ સંખ્યામાં મેચો રમાશે.
આ સ્પર્ધા લાખો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષશે અને અબજો ડોલરની આર્થિક પ્રવૃત્તિ સર્જશે તેવી અપેક્ષા છે. DHS ઉપરાંત FBI, કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન, સિક્રેટ સર્વિસ અને સ્થાનિક પોલીસ વિભાગો વર્ષોથી આતંકવાદ, સાયબર હુમલા, ભીડ નિયંત્રણ અને પરિવહન વ્યવસ્થામાં ખલેલ જેવા સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને સુરક્ષા યોજનાઓ તૈયાર કરી રહ્યા છે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login