ADVERTISEMENTs

ગ્રામીણ ગરીબ પરિવારો માટે આશાનું કિરણ: ગોબરમાંથી બનતું બાયોગેસ ઇંધણ.

સુરતના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામના યશોદાબેનની આર્થિક, સામાજિક અને શારીરિક સુખાકારીનું કારણ બની રાજ્ય સરકારની ‘ગોબર-ધન યોજના’

સરકારની ‘ગોબર-ધન યોજના’ હેઠળ કચરામાંથી બાયોગેસમાં રૂપાંતર કરવામાં આવે છે. / માહિતી વિભાગ, ગુજરાત.

“રાજ્ય સરકાર દ્વારા લેવાતી સતત દરકારથી અમારા જેવા અનેક ગરીબ પરિવારોનું અને ખાસ કરીને અમારા બાળકોનું ભવિષ્ય સુધરી રહ્યું છે.”- ચહેરા પર સ્મિત સાથે પોતાની સ્થાનિક ભાષામાં કંઈક આવું કહી રહ્યા છે સુરતના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામના યશોદાબેન વસાવા, કે જેઓ રાજ્ય સરકારની ‘ગોબર-ધન યોજના’ના લાભાર્થી છે.   

ગ્રામ્ય વિસ્તારોમાં ‘સ્વચ્છ ઇંધણથી સ્વચ્છ પર્યાવરણ’ને તેમજ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સહિત દેશભરમાં ગોબર-ધન યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં કચરામાંથી કંચન એટલે કે ઢોરના છાણ, કૃષિ-અવશેષ અને અન્ય કાર્બનિક કચરાનું બાયોગેસમાં રૂપાંતર કરવામાં આવે છે. જેનો ઉપયોગ રાંધણ ગેસ તરીકે કરવામાં આવે છે. 

સુરત જિલ્લાની વાત કરીએ તો, ગત વર્ષમાં સુરત જિલ્લામાં માંડવીમાં ૧૬૬, ઉમરપાડામાં ૧૦૨, માંગરોળમાં ૧૯ અને બારડોલી તાલુકામાં ૫૨ મળી કુલ ૩૩૯ અને અત્યાર સુધી અંદાજીત ૫૫૦ બાયો ગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.   

સુરતના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે વસતા અને વ્યવસાયે ખેતી કરી ગુજરાન ચલાવતા વસાવા પરિવારને આવા જ એક બાયોગેસ પ્લાન્ટનો  લાભ મળતા તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. સાવ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા આ પરિવારમાં પતિ-પત્ની, ૩ દીકરીઓ અને સાસુ સાથે રહેતા યશોદાબેન કહે છે કે, માત્ર ૫ હજારના લોક્ફાળામાં અમને અંદાજીત ૪૦ હજારથી વધુની કિંમતના ગોબર ગેસ પ્લાન્ટનો લાભ મળ્યો છે. જેના કારણે મારી અને મારા પરિવારની આર્થિક, સામાજિક અને શારીરિક સુખાકારીમાં વૃદ્ધિ થઇ છે.  

Gobardhan Yojna / માહિતી વિભાગ, ગુજરાત.

બાયો-ગેસ પ્લાન્ટના વપરાશથી આવેલા બદલાવ વિષે જણાવતા તેમણે કહ્યું કે, પહેલા ચૂલા પર રાંધવા માટે જંગલમાંથી લાકડા લેવા જવા પડતા હતા. જેથી ખૂબ સમય વેડફાતા બાળકોને પુરતો સમય નહીં આપી શકાતો. તેમજ શારીરિક પરિશ્રમ થવાથી થાક લાગતો હતો. ચૂલા પર રાંધવાથી ધુમાડાને કારણે આંખોમાં બળતરા અને ખાંસી-ઉધરસની સમસ્યા થતી હતી. બીજી તરફ ગેસ પર રાંધવા માટે દર મહિને રૂ.૯૦૦થી ૧૦૦૦ સુધીનો ગેસ ભરાવવાનો ખર્ચ કરવો પડતો હતો. હવે તેમાંથી મુક્તિ મળી છે.   

પરંતુ હવે ગોબર-ધન યોજનાનો લાભ મળતા છેલ્લા ૫-૬ મહિનાથી શારીરિક શ્રમ, સમય, અને દર મહિને થતી નાણાંકીય બચતથી હું અને મારો પરિવાર ખુબ રાહત અનુભવીએ છીએ. રસોડું વહેલું પતવાથી બાળકોને પણ સમય આપી શકાતો હોવાથી મારી દીકરી ખુશખુશાલ છે.  

ગોબર ધન પ્લાન્ટની વાત કરતા તેમણે કહ્યું કે, નાની મોટી મળી ૧૧ ગાય હોવાથી પહેલી વાર પ્લાન્ટની આંખી ટાંકી ભરાતા અઠવાડિયાથી ૧૫ દિવસનો સમય થાય છે. અને પછી રોજેરોજ વપરાશ થતા ખાલી થતી ટાંકીમાં ૪૦ કિલો જેટલું છાણ ઉમેરીએ છીએ. છાણ સહિતના જૈવિક કચરાથી  ઉત્પન્ન થતો બાયો ગેસ અમારા પરિવારની જરૂરીયાત અનુસાર પુરતો છે. સાથે પ્લાન્ટમાંથી કચરા રૂપે નીકળતું જાડું પ્રવાહી સીધું ખાતર રૂપે ખેતીમાં વાપરીએ છીએ અને જો ક્યારેક એ પ્રવાહી પડી રહે તો એમાંથી સુકું ખાતર બની જાય છે. જેનો ઉપયોગ પણ સરળતાથી ખેતીમાં કરી શકાય છે. જે અમારો ખાતરનો ખર્ચ પણ ઘટાડે છે. 

ગોબર ધન યોજનાની સાથોસાથ વસાવા પરિવારે રાજ્ય સરકારની રાશન કાર્ડ, માં કાર્ડ, વિધવા માતા માટે ગંગાસ્વરુપા સહાય યોજનાનો લાભ પ લીધો છે. તેમજ ત્રણ પૈકીની છઠ્ઠા અને બીજા ધોરણમાં ભણતી ૨ દીકરીઓ કેવડી આશ્રમ શાળામાં ભણી તેનો પણ લાભ લે છે. રાજ્ય સરકારની આ તમામ યોજનાઓનો લાભ લઇ સુખમય જીવન વ્યતિત કરતો આખો પરિવાર રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે.  

સુરતના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે વસતા લાભાર્થી યશોદાબેન / માહિતી વિભાગ, ગુજરાત.

શું છે ગોબર ધન યોજના?
ગ્રામીણ વિસ્તારના જૈવિક ઘન કચરાનો અસરકારક નિકાલ કરી સ્વચ્છતાને અને સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮થી ગોબરધન(ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સીસ ધન) યોજના અમલમાં મૂકી છે. 

યોજનાનું લક્ષ્ય
ગોબરથી ચાલતા બાયોગેસ પ્લાન્ટ્સના કારણે પરંપરાગત ઇંધણ ખર્ચની બચત સાથે પર્યાવરણ અને લોકોના આરોગ્યમાં સુધારાનો મહત્વનો લક્ષ્ય છે. સ્વચ્છતાની આદત કેળવવાની સાથે ખેડૂતોને આવકનો નવો સ્ત્રોત મળે છે અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન મળે છે. 

પૈસાની બચત સાથે આવકના નવા સ્ત્રોત
બાયોગેસ પ્લાન્ટમાં સ્લરી દુર્ગંધ રહિત હોય છે, જેનો ઉપયોગ સેન્દ્ગીય ખાતર તરીકે કરીને ખેડૂતો જૈવિક ખેતી કરી શકે છે. આ સેન્દ્ગીય ખાતર વેચવા માટે સહકારી મંડળી બનાવીને આવકમાં વધારો કરી શકાય છે. 

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video