ADVERTISEMENT

ADVERTISEMENT

રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડાપ્રધાન મોદી અને ભારતને સર્વોચ્ચ માન આપે છે: અમેરિકી રાજદૂત ગોર

ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી બંને સમાન વિચારસરણી ધરાવે છે અને પરિણામલક્ષી નેતૃત્વમાં વિશ્વાસ રાખે છે, એમ રાજદૂત ગોરે જણાવ્યું.

 ભારતના પ્રધાનમંત્રી મોદી સાથે અમેરિકી રાજદૂત સર્જીઓ ગોર(ફાઈલ ફોટો) ભારતના પ્રધાનમંત્રી મોદી સાથે અમેરિકી રાજદૂત સર્જીઓ ગોર(ફાઈલ ફોટો) / X

અમેરિકાના ભારતસ્થિત રાજદૂત સર્જિયો ગોરે પોતાના કાર્યકાળના છ મહિના પૂર્ણ થયા બાદ જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો આજે વધુ મજબૂત બન્યા છે અને તેનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ગાઢ મિત્રતા છે.

વ્હાઇટ હાઉસમાં IANSને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂમાં ગોરે ભારતનો પોતાનો અનુભવ, દ્વિપક્ષીય વેપાર કરાર, સંરક્ષણ સહયોગ, ઊર્જા સુરક્ષા, H-1B વિઝા, લોકો વચ્ચેના સંબંધો અને ભારત-અમેરિકા ભાગીદારીની વિશાળ સંભાવનાઓ અંગે વિગતવાર ચર્ચા કરી.

પ્રશ્ન: ભારત આવ્યા બાદના છેલ્લા છ મહિનાનો તમારો અનુભવ કેવો રહ્યો?

સર્જિયો ગોર:
હું ગઈકાલે જ ભારતમાંથી પરત આવ્યો છું. છેલ્લા છ મહિનામાં મને ભારતના અનેક વિસ્તારોમાં જવાની તક મળી અને અનેક અદ્ભુત લોકો સાથે મુલાકાત થઈ. ભારતની વિવિધતા અને તેની અસીમ ક્ષમતાએ મને ખૂબ પ્રભાવિત કર્યો છે. ફાર્માસ્યુટિકલ્સ, IT, સંરક્ષણ કે અન્ય કોઈપણ ક્ષેત્ર હોય, અમેરિકા અને ભારત સાથે મળીને તેને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે.

પ્રશ્ન: ભારતના કયા સ્થળોએ તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા?

ગોર:
હૈદરાબાદ, ચેન્નાઈ, રાજસ્થાન અને ખાસ કરીને જયપુર મને ખૂબ ગમ્યાં. ભારતની સૌથી મોટી વિશેષતા તેની વિવિધતા છે. દર થોડાક અંતરે ભાષા, સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાઓ બદલાઈ જાય છે. આવી વૈવિધ્યતા વિશ્વના બહુ ઓછા દેશોમાં જોવા મળે છે.

પ્રશ્ન: ભારત-અમેરિકા સંબંધોને તમે આજે કેવી રીતે જુઓ છો?

ગોર:
મને લાગે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો આજે ખૂબ જ મજબૂત છે. તેનું સૌથી મોટું કારણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીની મિત્રતા છે. મીડિયામાં ઘણી વખત અલગ પ્રકારનું ચિત્ર રજૂ થાય છે, પરંતુ હકીકતમાં બંને વર્ષોથી નજીકના મિત્રો છે અને આ સંબંધ આગળ પણ યથાવત રહેશે. બંને વચ્ચે જ્યારે પણ વાતચીત થાય છે ત્યારે બંને દેશોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો આગળ વધે છે.

પ્રશ્ન: ફ્રાન્સમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત દરમિયાન તમે હાજર હતા. તે બેઠક વિશે શું કહેશો?

ગોર:
હા, હું તે બેઠકમાં હાજર હતો. એક કલાકથી વધુ સમય ચાલેલી આ બેઠક ખૂબ જ ઉષ્માભરી અને રચનાત્મક રહી હતી. વેપાર, સંરક્ષણ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આગામી થોડા અઠવાડિયામાં આમાંથી કેટલાક મુદ્દાઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે.

પ્રશ્ન: ભારત-અમેરિકા વેપાર કરાર ક્યારે પૂર્ણ થઈ શકે?

ગોર:
હાલમાં કરારની ભાષા અને અંતિમ વિગતો પર કામ ચાલી રહ્યું છે. થોડા મુદ્દાઓ બાકી છે, પરંતુ બંને દેશો વિશ્વાસ ધરાવે છે કે આગામી થોડા અઠવાડિયા અથવા મહિનાઓમાં કરાર પૂર્ણ થઈ જશે. આ કરાર પર છેલ્લા દોઢ વર્ષથી કામ ચાલી રહ્યું છે અને અમે ખૂબ જ સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છીએ.

પ્રશ્ન: કરાર પૂર્ણ થયા પછી બંને દેશોને શું લાભ મળશે?

ગોર:
હાલ હું વધુ વિગતો જાહેર કરી શકું નહીં, પરંતુ એટલું ચોક્કસ કહી શકું છું કે આ કરાર બંને દેશો માટે લાભદાયી રહેશે.

પ્રશ્ન: રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત પ્રવાસ અંગે કોઈ સમયરેખા નક્કી થઈ છે?

ગોર:
હજુ તારીખ નક્કી થઈ નથી, પરંતુ આજે પણ રાષ્ટ્રપતિ સાથે મારી મુલાકાત દરમિયાન તેમણે ભારતની મુલાકાત અંગે રસ દર્શાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ તેમને આમંત્રણ આપ્યું છે અને તેઓ ભારત આવવા આતુર છે.

પ્રશ્ન: શું આ મુલાકાત આ વર્ષે થઈ શકે?

ગોર:
હાલ ચોક્કસ તારીખ કહી શકાય નહીં. અમેરિકામાં મધ્યાવધી ચૂંટણીને કારણે રાષ્ટ્રપતિ વ્યસ્ત છે, છતાં ભારત તેમની પ્રાથમિક યાદીમાં છે.

પ્રશ્ન: વડાપ્રધાન મોદીના નેતૃત્વ વિશે તમારું શું માનવું છે?

ગોર:
વડાપ્રધાન મોદી અત્યંત ગતિશીલ, પરિણામલક્ષી અને દરેક બાબતમાં વ્યક્તિગત રસ લેતા નેતા છે. મને તેમનામાં અને રાષ્ટ્રપતિ ટ્રમ્પમાં ઘણી સમાનતાઓ દેખાય છે. બંને ઝડપથી નિર્ણયો લેવા અને પરિણામ લાવવા પર ભાર મૂકે છે. બંનેની આ વિચારસરણી તેમના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

પ્રશ્ન: રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત-અમેરિકા સંબંધોને કેવી રીતે જુએ છે?

ગોર:
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પ્રત્યે ખૂબ જ સકારાત્મક અભિગમ ધરાવે છે. તેઓ ભારત અને વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ માન આપે છે. તેઓ વારંવાર કહે છે કે વડાપ્રધાન મોદી તેમના અંગત મિત્ર છે અને ભારતની પોતાની પ્રથમ મુલાકાતના અનુભવો આજે પણ યાદ કરે છે.

પ્રશ્ન: ભારત-અમેરિકા ભાગીદારી માટે તમારું વિઝન શું છે?

ગોર:
IT, ડેટા સેન્ટર્સ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકારની વિશાળ સંભાવનાઓ છે. એમેઝોને ભારતમાં 40 અબજ ડોલરથી વધુના રોકાણની જાહેરાત કરી છે, જ્યારે માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી કંપનીઓ પણ ભારતમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. સાથે સાથે ભારતીય કંપનીઓ પણ અમેરિકામાં રોકાણ વધારી રહી છે. માત્ર એક વર્ષમાં અમારી એમ્બેસીએ 20 અબજ ડોલરથી વધુના નવા રોકાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પ્રશ્ન: લોકો વચ્ચેના સંબંધોને તમે કેવી રીતે જુઓ છો?

ગોર:
ભારત અને અમેરિકા વચ્ચે લોકો વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે. બંને દેશોના લોકો એકબીજાની સંસ્કૃતિને પસંદ કરે છે અને આ સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે.

પ્રશ્ન: H-1B વિઝા અને અમેરિકા ખાતે વધતા હેટ ક્રાઇમ અંગે તમારી પ્રતિક્રિયા શું છે?

ગોર:
આ પગલાં ભારતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા નથી. અગાઉની સરકાર દરમિયાન ઇમિગ્રેશન સિસ્ટમમાં ઘણી ખામીઓ હતી, જેને સુધારવાની જરૂર હતી. અમે માત્ર એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમેરિકા આવનાર દરેક વ્યક્તિ અંગે યોગ્ય માહિતી હોય. ભારત સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ હોવાથી તેની અસર વધુ દેખાય છે, પરંતુ ભારત સાથેના લોકો વચ્ચેના સંબંધો, વેપાર અને અન્ય સહયોગ યથાવત રહેશે.

પ્રશ્ન: ઊર્જા ક્ષેત્રમાં ભારત-અમેરિકા સહયોગને તમે કેવી રીતે જુઓ છો?

ગોર:
ભારતે અમેરિકાથી ઊર્જાની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જે સકારાત્મક બાબત છે. કોઈપણ દેશે એક જ સ્ત્રોત પર નિર્ભર રહેવું જોઈએ નહીં. વિવિધ સ્ત્રોતોથી ઊર્જા મેળવવી દરેક દેશ માટે ફાયદાકારક છે.

પ્રશ્ન: ભારતે અમેરિકા પાસે કોઈ ખાસ માંગણીઓ કરી છે?

ગોર:
હા, કેટલીક માંગણીઓ કરવામાં આવી છે, જેમાંથી કેટલીક જાહેર કરી શકાતી નથી. બંને દેશો વચ્ચે વિશ્વાસનો મજબૂત આધાર છે અને અનેક નવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની શક્યતાઓ છે.

પ્રશ્ન: અંતમાં તમે શું કહેવા માંગશો?

ગોર:
છ મહિના ખૂબ જ ઝડપથી પસાર થયા. વેપાર કરાર, સંરક્ષણ સહયોગ અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અમે સતત પરિણામો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દર અઠવાડિયે અમે નવા લક્ષ્યાંકો નક્કી કરીએ છીએ અને તેને પૂર્ણ કરવા માટે કામ કરીએ છીએ. આગામી અઠવાડિયે હું ફરી ભારત પરત ફરીશ.

પ્રશ્ન: તમને વ્હાઇટ હાઉસમાં સૌથી પ્રભાવશાળી અમેરિકી રાજદૂતોમાંના એક તરીકે જોવામાં આવે છે. તમે શું કહેશો?

ગોર:
આ ખૂબ જ સન્માનજનક શબ્દો છે. હું માત્ર એટલું જ કહીશ કે હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું. ભારત-અમેરિકા સંબંધો મારા માટે અત્યંત મહત્વના છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના સહયોગને કારણે મારું કાર્ય વધુ સરળ બન્યું છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?