એરિક ટ્રમ્પ અને ઝોહરાન મમદાની / Wikipedia, Reuters
ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ એરિક ટ્રમ્પે ૧૭ નવેમ્બરે ફોક્સ ન્યૂઝના પ્રસિદ્ધ એંકર શોન હેનિટી સાથેની મુલાકાતમાં ન્યૂયોર્ક શહેરના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાની પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મમદાનીને “ભારતીય વસ્તીને નફરત કરનારા” ગણાવ્યા હતા.
એરિક ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાનાં મોટાં શહેરોમાં ડાબેરી વિચારધારાનો ઉદય થઈ રહ્યો છે, જેના કારણે મોટી કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે અને શહેરોનું ગૌરવ ઘટી રહ્યું છે. તેમણે કહ્યું કે, “ન્યૂયોર્ક એક સમયે વિશ્વનું સૌથી મહાન શહેર હતું, પણ રાજનીતિના કારણે આજે એ સ્થાન ગુમાવી બેઠું છે.”
મમદાની વિશે બોલતાં એરિક ટ્રમ્પે કહ્યું કે, “હવે ન્યૂયોર્કમાં એક સમાજવાદી... કમ્યુનિસ્ટ... મેયર આવી રહ્યો છે, જે ગ્રોસરી સ્ટોર્સનું રાષ્ટ્રીયકરણ કરવા માગે છે અને નેતન્યાહુને ધરપકડ કરવા માગે છે.” તેમણે આરોપ લગાવ્યો કે મમદાની યહૂદી સમુદાય તેમજ ભારતીય મૂળના લોકો પ્રત્યે પણ દ્વેષ ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે ઝોહરાન મમદાનીએ ૪ નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ન્યૂયોર્કને વધુ સસ્તું બનાવવાના મુદ્દા પર જનાદેશ મેળવ્યો હતો. તેઓ અમેરિકાના સૌથી મોટા શહેરના પ્રથમ મુસ્લિમ તેમજ પ્રથમ દક્ષિણ એશિયન મેયર બન્યા છે અને માત્ર ૩૪ વર્ષની ઉંમરે એક સદીમાં સૌથી યુવા મેયર બનવાનો ઇતિહાસ રચ્યો છે.
એરિક ટ્રમ્પે જણાવ્યું કે નવી સરકારે “સુરક્ષિત શેરીઓ, સ્વચ્છ શેરીઓ અને વાજબી કરવેરા” પર ધ્યાન આપવું જોઈએ અને સરકારી હસ્તક્ષેપ વિના શહેરનો વિકાસ થઈ શકે છે.
તેમણે મમદાનીને કોંગ્રેસવુમન એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝ સાથે પણ જોડીને ટીકા કરી અને અમેઝોનના ન્યૂયોર્ક હેડક્વાર્ટર પ્રોજેક્ટને અટકાવવા બદલ તેમના પર પ્રહાર કર્યા.
આ મહિનાની શરૂઆતમાં ટર્નિંગ પોઇન્ટ યુએસએના કાર્યક્રમમાં પણ એરિક ટ્રમ્પે મમદાનીની વિચારધારાને “પાગલ” ગણાવી હતી અને ચેતવણી આપી હતી કે, “આ એક મહાન અમેરિકી શહેરને બરબાદ કરશે અને આવું અમેરિકાભરમાં ફેલાવા ન દેવું જોઈએ.” તેમણે મમદાનીને “સાક્ષાત કમ્યુનિસ્ટ” તરીકે પણ ગણાવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login