સિમરતપાલ સિંહ / US Army
અમેરિકી સેનાના એવા અધિકારી સિમરતપાલ “સિમર” સિંહ જેમણે પોતાના સિખ ધાર્મિક ચિહ્નો (દાઢી અને પાઘડી) જાળવી રાખવા માટેની લડત લડી અને સેનાની નીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કરાવ્યો, તેમનું મેજરથી લેફ્ટનન્ટ કર્નલ પદે પ્રમોશન ૨૬ નવેમ્બરના રોજ થયું છે, એમ સિખ કોએલિશને જણાવ્યું હતું.
પ્રમોશન સમારંભ દરમિયાન સિંહે પંજાબના ગામડાથી અમેરિકી સેનાના ઉચ્ચ હોદ્દા સુધીની પોતાની સફર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, “સેના અને આ દેશે પંજાબના એક ગામડાના છોકરાને જેટલું આપ્યું છે તેની સામે મારી પાસે કંઈ નથી, હું આશા રાખું છું કે તેનો એક દસમો ભાગ પણ પાછો આપી શકું.”
સિખ કોએલિશને જણાવ્યું કે, ૨૦૧૫માં સિંહે સંસ્થા સાથે મળીને યુનિફોર્મમાં દાઢી અને પાઘડી પહેરવાનો અધિકાર મેળવ્યો હતો. આનાથી ૨૦૧૭માં અમેરિકી સેનાએ વ્યાપક નીતિ ફેરફાર કર્યો અને સિખ સૈનિકોને આવી ધાર્મિક વ્યવસ્થા માટે અરજી કરવાની છૂટ આપી, જેથી તેમને ધર્મ અને કારકિર્દી વચ્ચે પસંદગી કરવી ન પડે.
સિંહની સેના-યાત્રા શરૂઆતમાં સરળ નહોતી. પંજાબમાં જન્મેલા અને રાજકીય હિંસા બાદ કુટુંબ સાથે કેલિફોર્નિયા તથા સિએટલમાં ઉછરેલા સિંહે ૨૦૦૬માં વેસ્ટ પોઇન્ટમાં પ્રવેશ લીધો ત્યારે દાઢી કપાવવાનો આદેશ માનવો પડ્યો હતો. તેમણે તે સમયે કહ્યું હતું કે, “જે મૂલ્યો મને સારો સૈનિક બનાવે છે એ જ મેં ભંગ કર્યા, એનો મને આંતરિક વસવસો થયો હતો.”
વોશિંગ્ટનમાં એક કાર્યક્રમ દરમિયાન સિખ કોએલિશનના વકીલો સાથે મુલાકાત બાદ તેમણે આ મુદ્દે કાનૂની લડત આપી અને પોતાનો અધિકાર મેળવ્યો. આનાથી ભવિષ્યના સિખ સૈનિકો માટે માર્ગ મોકળો થયો. ત્યારબાદ સિંહે અન્ય હિમાયતી સંગઠનો સાથે મળીને એર ફોર્સ, નેવી અને મરીન કોર્પ્સમાં પણ આવા નીતિ ફેરફારો કરાવ્યા છે.
લગભગ બે દાયકાની સેવા દરમિયાન સિંહે રેન્જર સ્કૂલ પૂરું કર્યું, અફઘાનિસ્તાનમાં વિસ્ફોટકો નિષ્ક્રિય કરવા બદલ બ્રોન્ઝ સ્ટાર મેડલ મેળવ્યો અને વેસ્ટ પોઇન્ટમાં શિક્ષક તરીકે પણ સેવા આપી. હાલ તેઓ ફોર્ટ લેવનવર્થ ખાતે કમાન્ડ એન્ડ જનરલ સ્ટાફ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે.
સિખ કોએલિશને જણાવ્યું કે, સંસ્થા સતત પ્રયાસ કરી રહી છે કે સિખ સૈનિકો યુનિફોર્મમાં પોતાના ધાર્મિક વિધિ-નિયમોનું પાલન કરી શકે અને કોઈને પોતાનો ધર્મ અને વ્યવસાય વચ્ચે પસંદગી કરવી ન પડે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login