USCIS / IANS
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ફેડરલ ન્યાયાધીશોએ ઇમિગ્રેશન અધિકારીઓને ત્રણ ભારતીય નાગરિકોને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ ત્રણેય વ્યક્તિઓને અગાઉ અમેરિકામાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી, તેમ છતાં સુનાવણી કે યોગ્ય સૂચના વિના તેમને ફરીથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
આ ત્રણેય કેસમાં અલગ-અલગ નિર્ણયો આ અઠવાડિયે કેલિફોર્નિયાના પૂર્વીય (Eastern) અને દક્ષિણી (Southern) જિલ્લાઓની કોર્ટમાંથી જારી કરાયા છે. દરેક કેસમાં કોર્ટે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા મૂળભૂત ન્યાયિક પ્રક્રિયા (due process)નું પાલન ન કરવાનું જાણવા મળ્યું છે.
ત્રણેય ભારતીય નાગરિકો અગાઉ ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા મુક્ત કરાયા હતા અને તેઓ એસાઇલમ (શરણાર્થી સ્થિતિ) અથવા અન્ય ઇમિગ્રેશન રાહત મેળવવા માટે કાર્યરત હતા, ત્યારે તેમને ફરીથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
પ્રથમ કેસ: યુ.એસ. ડિસ્ટ્રિક્ટ જજ ટ્રોય એલ. નનલીએ 21 વર્ષીય હરમીત એસ.ને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો. હરમીત ઓગસ્ટ 2022માં અમેરિકામાં પ્રવેશ્યો હતો. તેને નાની ઉંમરે ફેડરલ બાળ સુરક્ષા કાયદા હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો. તેનો ઇમિગ્રેશન કેસ હજુ ચાલુ છે. તેણે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના અલ્ટરનેટિવ્સ-ટુ-ડિટેન્શન પ્રોગ્રામમાં ભાગ લીધો અને તમામ શરતોનું પાલન કર્યું હતું. તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.
નવેમ્બર 2025માં ICEની રૂબરૂ તપાસ માટે હાજર થયા બાદ તેને કોઈ અગાઉની સૂચના કે કારણ વિના અટકાયતમાં લેવામાં આવ્યો અને એક મહિનાથી વધુ સમય સુધી બોન્ડ હિયરિંગ વિના રાખવામાં આવ્યો. જજ નનલીએ આને પાંચમા સુધારાના ડ્યુ પ્રોસેસ ક્લોઝનું ઉલ્લંઘન ગણાવ્યું અને તાત્કાલિક મુક્તિનો આદેશ આપ્યો. કોર્ટે ICEને સૂચના અને સુનાવણી વિના ફરી અટકાયતમાં ન લેવા પણ નિર્દેશ આપ્યો છે.
બીજો કેસ: જજ નનલીએ જ સવન કે.ને મુક્ત કરવાનો આદેશ આપ્યો. સપ્ટેમ્બર 2024માં અમેરિકામાં પ્રવેશ્યા બાદ સવનને રાજકીય શોષણના ભયને કારણે એસાઇલમનો દાવો કર્યો હતો. ICEએ તેને એસાઇલમ કેસ પેન્ડિંગ રાખીને મુક્ત કર્યો હતો. તેણે તમામ ICE ચેક-ઇનમાં હાજરી આપી હતી, તેમ છતાં સપ્ટેમ્બર 2025માં રૂટિન એપોઇન્ટમેન્ટ દરમિયાન અટકાયતમાં લેવાયો અને લગભગ ચાર મહિના સુધી વોરન્ટ કે સુનાવણી વિના રાખવામાં આવ્યો. કોર્ટે તેને મેન્ડેટરી ડિટેન્શનના નિયમો લાગુ ન પડતા હોવાનું જણાવ્યું અને પ્રોસેજરલ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો.
ત્રીજો કેસ: દક્ષિણ કેલિફોર્નિયામાં યુ.એસ. ડિસ્ટ્રિક્ટ જજ જેનિસ એલ. સમાર્ટિનોએ આમિત આમિત માટે હેબિયસ કોર્પસની અરજી મંજૂર કરી. સપ્ટેમ્બર 2022માં પ્રવેશ્યા બાદ આમિતને ટૂંક સમય માટે અટકાયતમાં રાખીને ઓર્ડર ઓફ રેકગ્નિઝન્સ પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેણે નોકરી મેળવી અને એસાઇલમ અરજી કરી હતી. તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.
સપ્ટેમ્બર 2025માં તેને ઘરની બહાર કામે જવા માટે વાહનની રાહ જોતા અટકાયતમાં લેવામાં આવ્યો. કોર્ટે તેની મુક્તિને સૂચના, કારણ કે સુનાવણી વિના રદ કરવામાં આવી હોવાનું ગણાવ્યું અને તાત્કાલિક મુક્તિનો આદેશ આપ્યો.
ત્રણેય કેસમાં કોર્ટે જણાવ્યું કે એક વાર ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા વ્યક્તિને મુક્ત કરવામાં આવે તો તેને સુરક્ષિત સ્વતંત્રતાનો હક્ક મળે છે. સુનાવણી વિના અટકાયત કરવાથી ખોટી રીતે સ્વતંત્રતા છીનવાઈ શકે છે અને બંધારણીય સુરક્ષાને અસર થાય છે. કોર્ટે ICEને ભવિષ્યમાં અટકાયત પહેલાં સૂચના, સુનાવણી અને વ્યક્તિ ખતરો કે ભાગી જવાની શક્યતા ધરાવે તેવા પુરાવા રજૂ કરવા પણ જરૂરી ગણાવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login