ADVERTISEMENT

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે છેડછાડ પર ભારત સખ્ત, મેલબર્ન ઘટનાની કડી નિંદા

ભારતીય વિદેશ મંત્રાલયે આને ગંભીર ઘટના ગણાવી ઓસ્ટ્રેલિયન અધિકારીઓ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ / IANS

ભારતે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આવેલા ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને તોડીને હટાવવાની ઘટનાની કડક નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે આને ગંભીર ઘટના ગણાવી ઓસ્ટ્રેલિયન અધિકારીઓ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મીડિયાના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, “અમે મેલબર્નના રોવવિલ ખાતે આવેલા ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કમ્યુનિટી સેન્ટરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે કરાયેલી તોડફોડ અને તેને હટાવી નાખવાની ઘટનાની કડક ભાષામાં નિંદા કરીએ છીએ. આ મુદ્દો અમે ઓસ્ટ્રેલિયન અધિકારીઓ સમક્ષ મજબૂતીથી ઉઠાવ્યો છે અને તેમને પ્રતિમા ઝડપથી પુનઃપ્રાપ્ત કરવા તેમજ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે.”

ભારતીય સમુદાયમાં ચિંતા  
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, રોવવિલ ખાતેના કેન્દ્રમાં રાખેલી મહાત્મા ગાંધીજીની કાંસ્ય પ્રતિમા ચોરાઈ ગઈ છે, જેનાથી મેલબર્નમાં રહેતા ભારતીય મૂળના લોકોમાં ઊંડી ચિંતા ફેલાઈ છે.

વિક્ટોરિયા પોલીસે જણાવ્યું છે કે નોક્સ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન યુનિટ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ૧૨ જાન્યુઆરીની મોડી રાત્રે આશરે ૧૨:૫૦ વાગ્યે ત્રણ અજ્ઞાત વ્યક્તિઓએ ચેરિટી પરિસરમાંથી પ્રતિમા ચોરી લીધી હતી. પોલીસે સ્ક્રેપ મેટલ ડીલરોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવાના નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત, સીસીટીવી ફૂટેજ અથવા અન્ય કોઈ માહિતી ધરાવતા લોકોને ‘ક્રાઇમ સ્ટોપર્સ’ સાથે સંપર્ક કરવાની અપીલ કરી છે.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ  
ઉલ્લેખનીય છે કે આ મહાત્મા ગાંધીજીની પ્રતિમા ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR) દ્વારા ભેટ તરીકે આપવામાં આવી હતી અને તેનું ઉદ્ઘાટન ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયાના તત્કાલીન વડાપ્રધાન સ્કોટ મોરિસને કર્યું હતું. આ પ્રતિમા ઓસ્ટ્રેલિયામાં વસેલા ભારતીય સમુદાય માટે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે.

Comments

Related