ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતમાં હત્યાનો આરોપી ભારતીય યુવક બફેલો સરહદ પર ઝડપાયો

પીસ બ્રિજ ક્રોસિંગ પર સીબીપી અધિકારીઓએ ઇન્ટરપોલની નોટિસની પુષ્ટિ કર્યા બાદ ૨૨ વર્ષીય ભારતીય નાગરિકને અટકાયતમાં લીધો.

પ્રતીકાત્મક તસ્વીર / Pexels

ભારતમાં હત્યાના ગુનામાં વોન્ટેડ એક ભારતીય યુવકને અમેરિકાના બફેલો ખાતે પીસ બ્રિજ સરહદી ચેકપોસ્ટ પર ૧૬ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી છે. યુ.એસ. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી)ના અધિકારીઓએ સેકન્ડરી તપાસ દરમિયાન તેની ઓળખની પુષ્ટિ કરી હતી.

આરોપીની ઓળખ ૨૨ વર્ષીય વિશાત કુમાર તરીકે થઈ છે. કેનેડિયન અધિકારીઓએ તેને પ્રવેશ નકારીને અમેરિકા પરત મોકલી આપ્યો હતો, ત્યારબાદ સીબીપીએ તેને અટકાયતમાં લીધો. સીબીપીએ જણાવ્યું કે, કુમારે ૨૦૨૪માં ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો અને પછી આશ્રય અરજીની ઇન્ટરવ્યુમાં હાજર નહોતો થયો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે પોતાની ઓળખ છુપાવવા ખોટું નામ તેમજ જન્મ તારીખનો ઉપયોગ કર્યો હતો. બાયોમેટ્રિક તંત્ર દ્વારા તેની અસલ ઓળખની પુષ્ટિ થતાંની સાથે જ ભારતીય અધિકારીઓ દ્વારા જારી કરાયેલી ઇન્ટરપોલની રેડ નોટિસ પણ સામે આવી, જેમાં તેના પર હત્યાનો આરોપ છે.

એક્ટિંગ એરિયા પોર્ટ ડિરેક્ટર શેરોન સ્વિયાટેકે જણાવ્યું હતું કે, “આ ઝડપાયેલ વ્યક્તિ એ સાબિત કરે છે કે અમારા અધિકારીઓ દેશની સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને ન્યાયની રક્ષા કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.” તેમણે વધુમાં કહ્યું કે, ગંભીર ગુનાઓ માટે જવાબદારીથી બચવાનો પ્રયાસ કરતી વ્યક્તિઓને ઓળખવામાં સીબીપીની પ્રતિબદ્ધતા આ ઘટના દર્શાવે છે.

કુમારને પ્રોસેસિંગ બાદ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ)ના એન્ફોર્સમેન્ટ એન્ડ રિમૂવલ ઓપરેશન્સને સોંપી દેવામાં આવ્યો છે. હાલ તે ન્યૂયોર્કના બટાવિયા ખાતે ફેડરલ ડિટેન્શન ફેસિલિટીમાં નિરોધ હેઠળ છે અને તેની દેશનિકાલની કાર્યવાહી ચાલુ છે.

Comments

Related