ADVERTISEMENT

ADVERTISEMENT

મોદી-ટ્રમ્પ વચ્ચે વેપાર કરાર અને દ્વિપક્ષીય સહયોગ મુદ્દે ચર્ચા

પીએમ મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના પ્રયાસો બદલ ટ્રમ્પની પ્રશંસા કરી

 રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પીએમ મોદી / IANS

ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલા G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નિવેદન મુજબ, બંને નેતાઓએ પશ્ચિમ એશિયાના સંઘર્ષનો અંત, ભારત-અમેરિકા વચ્ચેના અંતરિમ વેપાર કરારમાં થયેલી પ્રગતિ તેમજ સંરક્ષણ, વ્યૂહાત્મક ટેક્નોલોજી, ઊર્જા અને વેપાર ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરી હતી.

વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને ઘટાડવા અને શાંતિ-સ્થિરતા સ્થાપવા માટે થયેલા પ્રયાસોને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રશંસા કરી હતી.

મોદીએ હોર્મુઝની ખાડીમાં નૌકાવહન અને વેપારના માર્ગો ખુલ્લા અને અવરોધમુક્ત રહેવાનું મહત્વ પણ રેખાંકિત કર્યું હતું. સાથે જ તેમણે દરિયાઈ કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

બેઠક બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં મોદીએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચે વેપાર, ઊર્જા, સંરક્ષણ, ટેક્નોલોજી અને લોકો વચ્ચેના સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે ચાલી રહેલા પ્રયાસોની પણ ચર્ચા થઈ.

MEAના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2025માં વોશિંગ્ટનમાં થયેલી મુલાકાત બાદ ભારત-અમેરિકા COMPACT (Catalysing Opportunities for Military Partnership, Accelerated Commerce and Technology) પહેલ હેઠળ થયેલી નોંધપાત્ર પ્રગતિની બંને નેતાઓએ સમીક્ષા કરી હતી.

બંને દેશોએ સંરક્ષણ, વ્યૂહાત્મક ટેક્નોલોજી, ઊર્જા અને દ્વિપક્ષીય વેપાર ક્ષેત્રે થયેલા મહત્વપૂર્ણ વિકાસનું સ્વાગત કર્યું હતું.

ભારત અને અમેરિકા વચ્ચેના અંતરિમ દ્વિપક્ષીય વેપાર કરાર (Bilateral Trade Agreement) અંગે ચાલી રહેલી વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ બદલ બંને નેતાઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓને વહેલી તકે સંતુલિત, પરસ્પર લાભદાયી અને વ્યાવસાયિક રીતે અર્થપૂર્ણ કરાર પૂર્ણ કરવા માટે પ્રયાસો તેજ કરવાની સૂચના આપી હતી.

આ સંદર્ભમાં અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીર આગામી અઠવાડિયે ભારતની મુલાકાત લેશે.

બેઠકના અંતે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની અને બંને દેશોના હિતમાં તમામ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા પુનઃદોહરાવી હતી.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related