ADVERTISEMENT

ADVERTISEMENT

ભારત-યુકે વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે

યુકે ભારતીય ફૂટવેર, કપડાં અને કેટલાક ખાદ્ય ઉત્પાદનો પરની આયાત શુલ્કમાં ઘટાડો કરશે

 File Photo File Photo / IANS/Lindy Cameron's X account

ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચે થયેલો વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) હવે 15 જુલાઈ, 2026થી અમલમાં આવશે. ગયા વર્ષે 24 જુલાઈ, 2025ના રોજ બંને દેશોએ આ ઐતિહાસિક વેપાર કરાર પર સહી કરી હતી.

યુકેના ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડે જણાવ્યું કે બંને દેશોની વ્યવસ્થાઓ તૈયાર કરવા માટેના વ્યાપક પ્રયાસો બાદ હવે વેપારીઓને કરાર અમલમાં આવવા પહેલાં 28 દિવસની તૈયારીનો સમય મળશે. 15 જુલાઈથી તેઓ આ કરારની શરતો હેઠળ વેપાર કરી શકશે.

યુકે સરકારના જણાવ્યા અનુસાર, ભારત સાથેનો આ અત્યાર સુધીનો સૌથી વ્યાપક વેપાર કરાર છે. લાંબા ગાળે તે યુકેના જીડીપીમાં 4.8 અબજ પાઉન્ડનો વધારો, વાસ્તવિક વેતનમાં 2.2 અબજ પાઉન્ડનો વધારો અને દ્વિપક્ષીય વેપારમાં દર વર્ષે 25.5 અબજ પાઉન્ડનો વધારો કરશે.

કરાર હેઠળ યુકેના વિવિધ ઉદ્યોગોને લાભ મળશે. ભારતમાં બ્રિટિશ વિસ્કી પર લાગતો 150 ટકા આયાત શુલ્ક તબક્કાવાર ઘટાડીને 10 વર્ષમાં 40 ટકા કરવામાં આવશે. બ્રિટિશ વાહનો પરનો આયાત શુલ્ક પણ ક્વોટા વ્યવસ્થા હેઠળ 100 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવશે. ઉપરાંત, કોસ્મેટિક્સ પર લાગતા 22 ટકા સુધીના શુલ્ક પણ તરત અથવા આગામી 10 વર્ષમાં દૂર કરવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિકાસને ભારત-યુકે સંબંધોમાં ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે 15 જુલાઈ, 2026થી અમલમાં આવનારો આ કરાર બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે.

મોદીએ જણાવ્યું કે આ કરાર ભારતીય ખેડૂતો, કામદારો, MSME ક્ષેત્ર, સ્ટાર્ટઅપ્સ અને નવીનતા ક્ષેત્ર માટે અનેક નવી તકો ઊભી કરશે અને 'વિકસિત ભારત 2047'ના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

કરારની મુખ્ય જોગવાઈઓ મુજબ, ભારત બ્રિટનથી આયાત થતી વિસ્કી અને વાહનો પરના શુલ્કમાં મોટો ઘટાડો કરશે. બીજી તરફ યુકે ભારતીય ફૂટવેર, કપડાં અને કેટલાક ખાદ્ય ઉત્પાદનો પરના આયાત શુલ્ક ઘટાડશે.

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારતે સંકેત આપ્યો હતો કે જો યુકે ભારતીય સ્ટીલની આયાત પર નિયંત્રણો લાદશે તો બ્રિટિશ વિસ્કી પરના શુલ્ક ઘટાડા અંગે ફરી વિચાર કરી શકાય.

યુકેની નવી સ્ટીલ વેપાર નીતિ 1 જુલાઈ, 2026થી અમલમાં આવશે. તેનો હેતુ વૈશ્વિક બજારમાંથી વધતી સ્ટીલ સપ્લાય સામે સ્થાનિક ઉદ્યોગને સુરક્ષા આપવાનો છે. નવા નિયમો હેઠળ સ્ટીલ માટેની શુલ્કમુક્ત ક્વોટામાં મોટો ઘટાડો કરવામાં આવશે અને મર્યાદા કરતાં વધુ આયાત પર ઊંચો શુલ્ક લાગુ કરવામાં આવશે.

ભારતના વાણિજ્ય મંત્રાલયે 17 જૂને જણાવ્યું હતું કે યુકેના સ્ટીલ સંબંધિત નવા પગલાં અંગે બંને દેશો વચ્ચે રચનાત્મક ચર્ચા થઈ હતી. બંને પક્ષોએ વેપારી હિતોનું રક્ષણ, બજારમાં વિક્ષેપ ઓછો રાખવા અને નિકાસકારો માટે સંતુલિત તથા સ્થિર વેપાર વાતાવરણ જાળવવા પર સહમતિ વ્યક્ત કરી હતી.

મંત્રાલયે વધુમાં જણાવ્યું કે ભારતની કુલ નિકાસમાંથી આશરે 85 ટકા નિકાસ યુકેના સ્ટીલ નિયંત્રણોથી પ્રભાવિત થતી નથી. સ્ટીલ સંબંધિત ક્ષેત્રોમાં ભારતના હિતોને ક્વોટા, રેસિડ્યુઅલ ક્વોટા અને ઓથોરાઇઝ્ડ યુઝ સ્કીમ (AUS) દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે.

યુકે સરકારે કરેલી જાહેરાતમાં સ્ટીલ મુદ્દે ભારત સાથેના કોઈ અલગ કરારનો ઉલ્લેખ કર્યો નથી.

ભારતના વાણિજ્ય મંત્રાલય અનુસાર, CETA અમલમાં આવ્યા બાદ ભારતીય નિકાસકારોને અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં યુકેના આયાત શુલ્કમાંથી સંપૂર્ણ મુક્તિ મળશે.

તેમાં પ્રોસેસ્ડ ફૂડ પર લાગતા 70 ટકા સુધીના શુલ્ક, મરીન ઉત્પાદનો પર 21.5 ટકા સુધીના શુલ્ક, એન્જિનિયરિંગ અને ઓટો કોમ્પોનેન્ટ્સ પર 18 ટકા સુધીના શુલ્ક, ચામડા અને ફૂટવેર પર 16 ટકા સુધીના શુલ્ક, ટેક્સટાઇલ અને કપડાં પર 12 ટકા સુધીના શુલ્ક તેમજ રસાયણ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર 8 ટકા સુધીના શુલ્કને શૂન્ય કરવામાં આવશે.

મંત્રાલયે જણાવ્યું કે આ ડ્યૂટી-ફ્રી પ્રવેશથી યુકેના બજારમાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધશે, ખેડૂતો, માછીમારો, કામદારો, MSME અને ઉત્પાદકો માટે નવી તકો ઊભી થશે તેમજ ભારતની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભાગીદારી વધુ મજબૂત બનશે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related