આદિ ગુરૂદેવ શ્રીમુક્તાનંદ સ્વામીશ્રી સેવિત શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપાથી તેમજ પૂજયપાદ ગુરૂજીની પાવન પ્રેરણા અને માર્ગદર્શનથી ટેમ્પા બે વિસ્તારનાં વેલરિકો ફ્લોરિડા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે ૨૯ અપ્રિલ ૨૦૨૫ અને મંગલવારે પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વૈદિક પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. લોયાધામ મંદિરનાં સ્થાપક પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી શ્રી ઘનશ્યામપ્રકાશ દાસજી સ્વામી (ગુરુજી) ની પાવન ઉપસ્થિતિમાં સંતો તથા ભક્તોએ ખુબ ભક્તિભાવથી ભાગ લીધો. આખો દિવસ વૈદિક મંત્રોનાં ગુંજનથી વાતાવરણ અતિ દિવ્ય બની ગયું. અંતમાં જળ યાત્રા સાથે મહારાજના અતિ ધામ ધૂમથી વધામણા કરવામાં આવ્યા હતા.
અખાત્રીજના પાવન દિવસે વહેલી સવારે લોયાધામ મંદિરમાં પૂજ્યપાદ ગુરુજીના વરદ હસ્તે અતિ મનોહર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. મધ્ય સિંહાસનમાં વાલીડા શ્રીઘનશ્યામ મહારાજની મૂર્તિ તેમજ સાથે સાથે શ્રી હનુમાનજીમહારાજ અને ગણપતિજી મહારાજની સુંદર મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી. જય ઘોષનાં ધ્વનિથી તેમજ હર્ષોલ્લાસથી આખું મંદિર ગુંજી ઉઠ્યું હતું. આ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવેલી વિધિથી સમગ્ર વાતાવરણમાં દિવ્ય અને ભાવનાત્મક ઉર્જાનો સંચાર થતો સહુ ભક્તોએ અનુભવ કર્યો હતો. ૧૦૮ તીર્થોનાં જલનું આવાહન કરી તેનાથી દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. આ ઉત્સવ દરમ્યાન ૩૬૫ થી વધુ વાનગીનો અતિ ભવ્ય અતિ દિવ્ય અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો.
આ અવસરે પંચ દીનાત્મક વ્હાલાનાં વધામણા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અક્ષય તૃતીયાનાં પાવન દિવસે સાંજથી આ દિવ્ય ભવ્ય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અનોખા ધાર્મિક અવસરે અમેરિકાનાં અનેક સ્ટેટમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા અને લંડનથી પણ ભક્તો પધાર્યા હતા.સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં અનેક આધ્યાત્મિક કાર્યક્રમોનું પ્રેરક આયોજન થયું હતું.
આ મહોત્સવ દરમ્યાન પૂ. ગુરુજીએ વ્યાસ પીઠ ઉપર વિરાજમાન થઇ લોયાધામનાં મુક્તરાજ શ્રી સુરાબાપુનાં આખ્યાન આધારિત દિવ્ય કથા વાર્તાનો લાભ આપ્યો હતો. સંતો ભક્તોએ પ્રેરક પ્રવચન કર્યા હતા. સાથે સાથે બાલીકાઓંનાં અને બાળકોનાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભાવિકજનોને મનોરંજન અને માર્ગદર્શન બંને પ્રાપ્ત થયું. આ કાર્યક્રમ દરમ્યાન દેશ ભક્તિનાં નૃત્યનું પણ ખાસ આયોજન થયું હતું. આ અવસરે પૂ. ગુરુજીએ ખાસ કરીને બાળકો અને યુવાનોને સત્સંગમાં વધુ ઘનિષ્ઠ રીતે જોડાવા માટે હાકલ કરી હતી જેને ભારે પ્રતિસાદ મળ્યો. પહલગામ - કાશ્મીર ભારતમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પરિવાર માટે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
આ ઉત્સવમાં લોયાધામના ભક્તો ઉપરાંત અનેક આમંત્રિત મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લોયાધામના આ નુતન અધ્યાત્મિક ઉન્નતિના કેન્દ્ર સમાન ઉત્સવમાં સહભાગી થઈ સહુ સંતો ભક્તો ખૂબ ગદગદીત થયા હતા.
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login