મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા એન.એચ.-૪૮ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી અને બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બ્રિજ રિપેરિંગની કામગીરીના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે આ રૂટ પરના ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઈવેના કિમ ચાર રસ્તાથી એના સુધીના સેક્શન પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જે સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાહનવ્યવહાર સરળ બને અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ બાબતે ચર્ચાવિચારણા કરી જરૂરી સૂચના આપી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, નેશનલ હાઈવે એન.એચ.-૪૮ પર કામરેજના ખોલવડ અને આંબોલીને જોડતા તાપી બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટનું સમારકામની કામગીરી રાઉન્ડ ધ કલોક ચાલી રહી છે. જેથી ભરૂચથી સુરત તરફ ડાબી તરફ જનારા વાહનોને કીમ ચાર રસ્તા પાસે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે ના પેકેજ-૬ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. કીમ તરફથી નવા બનેલા એક્સ્પ્રેસ વે પર જઈને વાહનચાલકો પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરી અને હાઈવે સુધી જઈ રહ્યા છે. ટ્રાફિક નિયમનની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહી છે. બ્રિજની કામગીરી ૩૦ થી ૩૫ દિવસ ચાલનાર હોવાની વિગતો તેમણે આપી હતી.
NHAIના સુરતના પ્રોજેક્ટ ડિરેક્ટર સંજયકુમાર યાદવે તાપી બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, કામરેજ તાલુકાના ખોલવડ પાસે એન.એચ.-૪૮ પર તાપી નદી પર કુલ ત્રણ બ્રિજ આવેલા છે. જે પૈકી ડાબી તરફના બ્રિજની એક્ષ્પાન્શન જોઈન્ટની કામગીરી શરૂ કરાઈ છે. છેલ્લા દોઢ વર્ષથી આ સમારકામ અંગે યોજના બનાવવામાં આવી રહી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત સહયોગથી હવે આ કામગીરીને ગતિ મળી છે. સમારકામ માટે હાલ બ્રિજ પર વાહનોની અવરજવર બંધ છે, અને તાત્કાલિક અસરથી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. NHAIની ટીમ એન્જિનિયરો, મેનપાવર, મશીનરી અને જરૂરી સાધનો સાથે ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. અંદાજે ૩૦ થી ૩૫ દિવસમાં તમામ કામ પૂર્ણ કરી પુલને ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે.”
મુલાકાત સમયે મામલતદારશ્રી રશ્મિન ઠાકોર, ડી.વાય.એસ.પી. આર.આર. સરવૈયા, NHAI ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login