ADVERTISEMENTs

બોલિવૂડ ફોક - પોપ સિંગર પૂર્વા મંત્રીનો અમેરિકા ડાંડીયા ટૂર, ગરબા ગીતો પર મચાવશે ધૂમ

Purvastic Tour ની 28 ઓગસ્ટથી શિકાગોથી થશે શરૂઆત

બોલિવૂડ ફોક - પોપ સિંગર પૂર્વા મંત્રી / Courtesy Photo

લોકપ્રિય બોલિવૂડ ફોક-પોપ સિંગર પૂર્વા મંત્રી પોતાના આગામી યુએસ ડાંડીયા “Purvastic Tour” પર ગરબા ગીતો રજૂ કરવા જઈ રહ્યા છે. આ ટૂર ગણેશોત્સવના પાવન પ્રસંગ દરમિયાન 28 ઑગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. પૂર્વા વિદેશની ધરતી પર ગરબાના ગીતો પર લોકોને ઝુમાવશે. સાથે જ આ ડાંડીયા ટૂર દરમિયાન પૂર્વા  મંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રચિત ગરબો "આવતી કાલે " સંગીત અને ગરબા પ્રેમીઓ સમક્ષ રજૂ કરશે. 

“વૉઇસ ઑફ ફેસ્ટિવિટીઝ” તરીકે ઓળખાતી પૂર્વા ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમની પાવર-પેક્ડ પરફોર્મન્સ અને દમદાર અવાજ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દે છે. પૂર્વા પોતાની કલા દ્વારા યુવા પેઢીને આધ્યાત્મિકતા અને લોકસંગીત સાથે જોડવાની કોશિશ કરે છે. તેમના “4th Generation” નામના EPમાં સમાવિષ્ટ ગીતો તેમના પરિવારની ચોથી પેઢી દ્વારા દૈવી સંગીતની પરંપરાને આગળ વધારે છે. તેમની પુણેરી ઢોલ પ્રસ્તુતિઓ વૈશ્વિક સ્તરે વાયરલ થઈ ચૂકી છે.

આ ટૂર 28 ઑગસ્ટે શિકાગોથી શરૂ થશે, ત્યારબાદ 30 ઑગસ્ટે એટલાન્ટિક સિટી, 31 ઑગસ્ટે સિયાટલ અને 6 સપ્ટેમ્બરે લૉસ એન્જલસમાં કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન પૂર્વા પરંપરાગત ગરબા ધૂનોને આધુનિક સ્ટ્રીટ સાઉન્ડ્સ સાથે મિશ્રિત કરી રજૂ કરશે. દરેક શહેરમાં ડાંડીયા નાઈટ્સ અને ફેમિલી ફેસ્ટિવલ્સનું આયોજન થશે, જે ભારતના લોકસંગીત અને ગ્રામ્ય સંસ્કૃતિનો નવો રંગ વૈશ્વિક મંચ પર રજૂ કરશે.

પૂર્વા મંત્રીએ જણાવ્યું હતું કે “ભારતની ફોક-પોપ અને સ્ટ્રીટ ધૂનોને વિવિધ સંસ્કૃતિઓ સામે રજૂ કરવાની તક એ મારા માટે અનોખો સન્માન છે. પોતાની સમૃદ્ધ પરંપરાનો ઉત્સવ મનાવવો એ જ સૌથી મોટું ગૌરવ છે.”

યુએસ પરફોર્મન્સ બાદ પૂર્વા નવરાત્રી દરમિયાન અમદાવાદ અને સુરતમાં ગરબા કાર્યક્રમો કરશે. આ “Purvastic Tour” પૂર્વાના તે મિશનનો ભાગ છે, જેમાં તેઓ વૈશ્વિક સ્તરે યુવાનોને ભારતીય આધ્યાત્મિકતા અને સંગીત પરંપરા સાથે જોડવા માગે છે.

Comments

Related

ADVERTISEMENT

 

 

 

ADVERTISEMENT

 

 

E Paper

 

 

 

Video