ADVERTISEMENT

ADVERTISEMENT

H-1B વિઝા સિસ્ટમમાં મોટા ફેરફાર માટે અમેરિકી સાંસદનું બિલ

હાલની લોટરી પદ્ધતિને બદલે વધુ પગારવાળી અરજીઓને પ્રાથમિકતા આપવાની દરખાસ્ત; H-1B વિઝાની વાર્ષિક મર્યાદા 65,000 યથાવત રહેશે.

 પ્રતિનિધિ ચિપ રોય પ્રતિનિધિ ચિપ રોય / Wikimedia commons

અમેરિકાના રિપબ્લિકન સાંસદ ચિપ રોયે H-1B વિઝા કાર્યક્રમમાં મોટા ફેરફારો લાવવા માટે એક નવું બિલ રજૂ કર્યું છે. આ પ્રસ્તાવનો અસર ભારત સહિતના હજારો ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશી વ્યાવસાયિકો પર પડી શકે છે, જે H-1B વિઝા દ્વારા અમેરિકામાં કામ કરે છે.

ટેક્સાસના પ્રતિનિધિ ચિપ રોયે 'અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ એક્ટ 2026' નામનું બિલ રજૂ કર્યું છે. તેમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવા માટે વપરાતા H-1B કાર્યક્રમમાં વ્યાપક સુધારાઓનો પ્રસ્તાવ છે.

બિલ અનુસાર હાલની લોટરી આધારિત પસંદગી પ્રક્રિયાને દૂર કરીને પગાર આધારિત પસંદગી પ્રણાલી અમલમાં મુકવામાં આવશે. ઉપરાંત, કંપનીઓએ પહેલા અમેરિકન કર્મચારીઓને નોકરી આપવા પ્રયાસ કર્યો હોવાનો પુરાવો આપવો પડશે. તાજેતરમાં કર્મચારીઓની છટણી કરનારી કંપનીઓને H-1B કર્મચારીઓની ભરતી કરવાની મંજૂરી નહીં મળે.

ચિપ રોયે કહ્યું કે છેલ્લા લગભગ 40 વર્ષથી H-1B વિઝા કાર્યક્રમનો દુરુપયોગ થતો રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, ઘણી કંપનીઓ અમેરિકન STEM ક્ષેત્રના કર્મચારીઓની જગ્યાએ ઓછા ખર્ચે વિદેશી કામદારોને નોકરી આપે છે, જેના કારણે વેતન દબાય છે અને છટણીને પણ "કર્મચારીઓની અછત" તરીકે રજૂ કરવામાં આવે છે.

પ્રસ્તાવમાં H-1B વિઝાને ગ્રીન કાર્ડ અથવા કાયમી નિવાસ તરફના માર્ગ તરીકે ઉપયોગ કરવાની વ્યવસ્થા સમાપ્ત કરવાની પણ જોગવાઈ છે. સાથે જ OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) કાર્યક્રમને પણ બંધ કરવાની દરખાસ્ત છે. OPT હેઠળ અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા ઘણા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં રહીને કામ કરવાની તક મળે છે.

બિલ મુજબ, H-1B કર્મચારીની ભરતી કરતા પહેલાં કંપનીઓએ પ્રમાણિત કરવું પડશે કે તે પદ માટે યોગ્ય અમેરિકન ઉમેદવાર ઉપલબ્ધ નથી. કંપનીઓએ સ્થાનિક સ્તરે નોકરીની જાહેરાત કરવી પડશે અને સમાન અથવા વધુ લાયકાત ધરાવતા અમેરિકન ઉમેદવારોને પ્રથમ તક આપવી પડશે.

દરખાસ્તમાં H-1B વિઝાની વાર્ષિક મર્યાદા 65,000 જ રાખવામાં આવી છે, પરંતુ વિઝા ફાળવણી લોટરી દ્વારા નહીં, પરંતુ વધુ વેતન ધરાવતી અરજીઓને પ્રાથમિકતા આપીને કરવામાં આવશે. ઉપરાંત H-1B સ્ટેટસની મહત્તમ મુદત છ વર્ષથી ઘટાડીને બે વર્ષ કરવાની અને કોઈ એક દેશને કુલ વાર્ષિક ફાળવણીના 7 ટકાથી વધુ વિઝા ન આપવા પણ પ્રસ્તાવ છે.

આ બિલ એરિઝોનાના સાંસદ એલી ક્રેન દ્વારા રજૂ કરાયેલા અન્ય એક પ્રસ્તાવને આગળ વધારતું માનવામાં આવે છે. ક્રેને H-1B વિઝા જારી કરવાની પ્રક્રિયા ત્રણ વર્ષ માટે સ્થગિત રાખવા અને ત્યારબાદ વ્યાપક સુધારાઓ લાવવાની દરખાસ્ત મૂકી છે.

એલી ક્રેને કહ્યું કે H-1B કાર્યક્રમમાં રહેલા દુરુપયોગને કારણે મહેનતુ અમેરિકન કર્મચારીઓના હિતોને નુકસાન પહોંચે છે, કારણ કે કંપનીઓ ઓછા ખર્ચે વિદેશી કર્મચારીઓને રાખીને સ્થાનિક કર્મચારીઓને બદલી નાખે છે.

અમેરિકામાં કડક ઇમિગ્રેશન નીતિઓનું સમર્થન કરતી અનેક સંસ્થાઓએ પણ આ બિલને ટેકો આપ્યો છે. યુએસ ટેક વર્કર્સના પ્રમુખ કેવિન લિને જણાવ્યું કે આ બિલ H-1B કાર્યક્રમની અનેક ગંભીર ખામીઓને દૂર કરવામાં મદદરૂપ થશે.

ઇમિગ્રેશન અકાઉન્ટેબિલિટી પ્રોજેક્ટના ગ્રાન્ટ ન્યૂમેનના જણાવ્યા મુજબ, આ સુધારાઓ H-1B કાર્યક્રમને "સસ્તા મજૂરોની વ્યવસ્થા"માંથી બદલીને ખરેખર ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ માટેના ગેસ્ટ વર્કર કાર્યક્રમમાં ફેરવશે.

હાલમાં H-1B વિઝા કાર્યક્રમનો ઉપયોગ મુખ્યત્વે ટેકનોલોજી કંપનીઓ, કન્સલ્ટિંગ ફર્મો, આરોગ્ય સેવા ક્ષેત્ર અને સંશોધન સંસ્થાઓ દ્વારા વિદેશી નિષ્ણાતોની ભરતી માટે કરવામાં આવે છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related