ADVERTISEMENT

ADVERTISEMENT

બેંગલુરુમાં વાધવાની-IISc ડીપ-ટેક ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન

IISc દ્વારા ક્વોન્ટમ સંશોધન, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન અને ડીપ-ટેક ટેક્નોલોજીના વ્યાપારીકરણને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને વધુ વેગ મળશે.

 કેન્દ્રનું ઉદ્ઘાટન કેન્દ્રનું ઉદ્ઘાટન / Handout

ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc), બેંગલુરુ ખાતે 22 મે, 2026ના રોજ વાધવાની-IISc ઇનોવેશન સેન્ટરનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ કેન્દ્રનું ઉદ્ઘાટન ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના ભૂતપૂર્વ અધ્યક્ષ એ.એસ. કિરણ કુમારે કર્યું હતું. આ પ્રસંગે વાધવાની ફાઉન્ડેશનના CEO અને બોર્ડ સભ્ય અજય કેલા તેમજ વાધવાની ઇનોવેશન નેટવર્ક (WIN) ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શિર્શેન્દુ મુખર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા.

IIScના જણાવ્યા મુજબ, નવું કેન્દ્ર ડીપ-ટેક ઇનોવેશન, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન અને ઉદ્યોગો સાથેના સહયોગને પ્રોત્સાહન આપશે. સાથે જ અદ્યતન વૈજ્ઞાનિક સંશોધનને બજાર સુધી પહોંચાડવા અને તેના વ્યાપારીકરણ માટે પણ કાર્ય કરશે.

આ પહેલ વાધવાની ઇનોવેશન નેટવર્કનો એક ભાગ છે. ગયા વર્ષે વાધવાની ફાઉન્ડેશન, અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (ANRF), વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી ભાગીદારો દ્વારા ભારતના ડીપ-ટેક ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે 16.5 કરોડ ડોલરથી વધુના સહયોગી રોકાણની જાહેરાત કરવામાં આવી હતી.

IIScની ફાઉન્ડેશન ફોર સાયન્સ, ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ (FSID)ના ડિરેક્ટર બી. ગુરુમૂર્તિએ જણાવ્યું કે, "ક્વોન્ટમ ટેક્નોલોજી વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રમાં સૌથી પરિવર્તનકારી તકમાંથી એક છે. વાધવાની-IISc ઇનોવેશન સેન્ટર, ક્વોન્ટમ પિચ ફેસ્ટ અને ઇનક્યુબેટ પ્લેટફોર્મ દ્વારા IISc સંશોધકો અને ઉદ્યોગસાહસિકોને અત્યાધુનિક ક્વોન્ટમ સંશોધનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ બનશે."

અજય કેલાએ જણાવ્યું કે ભારત સામેનો આગામી પડકાર સંશોધનને ઝડપી ગતિએ બજારલક્ષી ઉત્પાદનો અને સફળ સ્ટાર્ટઅપમાં ફેરવવાનો છે. તેમણે કહ્યું, "વાધવાની ઇનોવેશન નેટવર્ક દ્વારા અમે IISc જેવી અગ્રણી સંસ્થાઓ સાથે મળીને એવી મજબૂત ઇનોવેશન વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ, જે પ્રયોગશાળામાંથી નીકળેલા નવા વિચારોને ઝડપથી બજાર સુધી પહોંચાડવામાં મદદ કરે."

કાર્યક્રમ દરમિયાન કિરણ કુમારે વૈજ્ઞાનિક સંશોધનને સમાજ અને અર્થતંત્ર માટે ઉપયોગી પરિણામોમાં રૂપાંતરિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ઉભરતી ટેક્નોલોજીમાં સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવા માટે સરકાર અને પરોપકારી સંસ્થાઓના સહયોગના મહત્વની પણ ચર્ચા કરી હતી.

ઉદ્ઘાટન સમારોહ સાથે IISc દ્વારા ક્વોન્ટમ પિચ ફેસ્ટ 2026નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને નવપ્રવર્તકોએ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ક્વોન્ટમ કોમ્યુનિકેશન અને ક્વોન્ટમ સેન્સિંગ સંબંધિત પોતાના પ્રોજેક્ટ્સ રોકાણકારો અને ઉદ્યોગ નિષ્ણાતો સમક્ષ રજૂ કર્યા હતા. પસંદ કરાયેલી ટીમોને IIScના ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમો હેઠળ માર્ગદર્શન અને ઇન્ક્યુબેશન સહાય મળશે.

આ પ્રસંગે ઇનક્યુબેટ (InQubate) નામના ક્વોન્ટમ સ્ટાર્ટઅપ એક્સેલરેશન પ્લેટફોર્મની પણ શરૂઆત કરવામાં આવી. IIScના જણાવ્યા મુજબ, આ પ્લેટફોર્મ ક્વોન્ટમ રિસર્ચ પાર્ક (QuRP), વાધવાની-IISc ઇનોવેશન સેન્ટર, FQCI અને INUP સહિતના ક્વોન્ટમ ઇકોસિસ્ટમ સાથે સંકળાઈ સંશોધન, ઇન્ક્યુબેશન અને વ્યાપારીકરણ વચ્ચે મજબૂત કડી બનાવશે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Related