ADVERTISEMENT

ADVERTISEMENT

ઉત્તર કેરોલિના-ભારત વેપાર સંબંધોને નવી દિશા

નોર્થ કેરોલિના-ઈન્ડિયા ટ્રેડ કમિશનની રચનાથી વેપાર, રોકાણ અને આર્થિક સહયોગને મળશે વેગ

 રેલેમાં ચર્ચા માટે ડીસીએમ ખંપા NCINPAC ને મળ્યા રેલેમાં ચર્ચા માટે ડીસીએમ ખંપા NCINPAC ને મળ્યા / Handout

રેલી શહેર સહિત સમગ્ર ઉત્તર કેરોલિનામાં અંદાજે 1.10 લાખ ભારતીય મૂળના લોકો વસે છે, જેમાંથી માત્ર રેલીમાં જ 45 હજારથી વધુ ભારતીય અમેરિકનો રહે છે. વ્યવસાય, ઉદ્યોગ, ટેક્નોલોજી અને વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓએ રાજ્યની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રિસર્ચ ટ્રાયએન્ગલ વિસ્તારમાં અનેક ભારતીયોએ સફળ વ્યવસાયો સ્થાપ્યા છે, રોજગારીનું સર્જન કર્યું છે અને ભારતની અગ્રણી કંપનીઓને ઉત્તર કેરોલિનામાં લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. જેના કારણે ભારત અને અમેરિકાના વેપારી સંબંધોને નવી મજબૂતી મળી છે.

ભારતીય મૂળનો આ સમુદાય માત્ર સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને જ મજબૂત બનાવતો નથી, પરંતુ ઉત્તર કેરોલિના અને ‘બ્રાન્ડ ઈન્ડિયા’ વચ્ચે એક મજબૂત સોફ્ટ ડિપ્લોમસી બ્રિજ તરીકે પણ કામ કરે છે.

ગત સપ્તાહે રેલીમાં ભારતીય અમેરિકન સમુદાયે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી. અહીં નોર્થ કેરોલિના-ઈન્ડિયા ટ્રેડ કમિશનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી, જેનો હેતુ વેપાર, રોકાણ, નવા વ્યવસાયિક અવસરો અને બંને લોકશાહી દેશો વચ્ચેના આર્થિક તથા રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

ઉત્તર કેરોલિનાના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનો આ કમિશનની સ્થાપનાને ઐતિહાસિક પગલું ગણાવી રહ્યા છે. તેમના મતે, આ કમિશન વેપાર, રોકાણ, નવીનતા અને આર્થિક સહયોગને નવા સ્તરે લઈ જશે અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક એવા ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.

આ કમિશનને હકીકતમાં રૂપાંતરિત કરવામાં ભારતીય અમેરિકન નેતાઓ રાજ્યના સેનેટર જય ચૌધરી અને નોર્થ કેરોલિના હાઉસ ઓફ સ્પીકરના કાર્યાલયમાં ડેપ્યુટી જનરલ કાઉન્સેલ તથા સિનિયર પોલિસી એડવાઈઝર તરીકે કાર્યરત સુમિત ગુપ્તાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

સુમિત ગુપ્તાએ આ ઐતિહાસિક પહેલ માટે રાજ્ય વિધાનસભાના સ્પીકર ડેસ્ટિન હોલનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, "હું જન્મથી ઉત્તર કેરોલિનાનો રહેવાસી અને ગર્વિત ભારતીય અમેરિકન છું. મેં અમારા સમુદાયને સતત આગળ વધતા જોયો છે. ભારતીય અમેરિકનો રાજ્યના વિકાસમાં જે યોગદાન આપી રહ્યા છે તેને માન્યતા આપવા બદલ હું સ્પીકર ડેસ્ટિન હોલનો આભારી છું. નોર્થ કેરોલિના-ઈન્ડિયા ટ્રેડ કમિશન બંને વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને રાજ્યની અર્થવ્યવસ્થાને નવા અવસર આપશે."

સ્થાનિક નોર્થ કેરોલિના ઇન્ડિયન અમેરિકન પોલિટિકલ એક્શન કમિટી (NCINPAC)ના સભ્યો પણ આ સિદ્ધિથી ઉત્સાહિત છે.

NCINPACના પૂર્વ અધ્યક્ષ સુભાષ ગુમ્બરે જણાવ્યું કે, "આ ઐતિહાસિક સિદ્ધિ એ દર્શાવે છે કે રાજકીય અને સામાજિક ભાગીદારી દ્વારા ભારતીય અમેરિકન સમુદાય રાજ્યના વિકાસમાં કેટલું મહત્વનું યોગદાન આપી રહ્યો છે. આ સમગ્ર સમુદાય માટે ગૌરવની ક્ષણ છે અને હવે ઉત્તર કેરોલિના તથા ભારત વચ્ચે વધુ મજબૂત ભાગીદારી ઉભી કરીને બંને પ્રદેશો માટે સમૃદ્ધિ અને લાંબા ગાળાની મિત્રતા વિકસાવવાનો સમય છે."

ઉત્તર કેરોલિનાની કેટલીક વિશેષતાઓ તેને ભારત માટે એક મહત્વપૂર્ણ અમેરિકન ભાગીદાર બનાવે છે. તેમાં વૈશ્વિક ખ્યાતિ ધરાવતું રિસર્ચ ટ્રાયએન્ગલ ઇનોવેશન ઇકોસિસ્ટમ, બાયોટેક્નોલોજી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આગેવાની, તેમજ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના-ચેપલ હિલ, ડ્યુક યુનિવર્સિટી અને NC સ્ટેટ યુનિવર્સિટી જેવી અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત રાજ્યમાં વસતો ભારતીય અમેરિકન સમુદાય આરોગ્ય, ઉદ્યોગસાહસિકતા, ટેક્નોલોજી, શિક્ષણ અને જાહેર સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

નવું ટ્રેડ કમિશન ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેક્નોલોજી અને હેલ્થકેર ઇનોવેશન ક્ષેત્રે સહયોગ વધારશે. ઉપરાંત યુનિવર્સિટીઓ વચ્ચે ભાગીદારી, સ્વચ્છ ઊર્જા, સોલાર, બેટરી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન, સ્ટાર્ટઅપ્સ, વેન્ચર કેપિટલ અને ઉદ્યોગસાહસિકતાના વિકાસને પ્રોત્સાહન આપશે.

તે ઉપરાંત સ્માર્ટ સિટીઝ અને ઇનોવેશન કોરિડોરને ધ્યાનમાં રાખીને રિયલ એસ્ટેટ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં પણ નવી ભાગીદારીઓ વિકસાવવામાં મદદરૂપ બનશે.

સેનેટર જય ચૌધરીએ 'ઇન્ડિયા અબ્રોડ' અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "છેલ્લા એક દાયકાથી અમે ઉત્તર કેરોલિના અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા સતત પ્રયત્નશીલ છીએ. ઇન્ફોસિસને વેક કાઉન્ટીમાં અને ભારત ફોર્જને લી કાઉન્ટીમાં લાવવા, બેંગલુરુમાં ઉત્તર કેરોલિનાની ટ્રેડ ઓફિસ શરૂ કરાવવા જેવા અનેક પ્રયાસોના પરિણામે આજે ઉત્તર કેરોલિના ભારતીય રોકાણ માટે અમેરિકાનું નંબર-વન રાજ્ય બન્યું છે. નોર્થ કેરોલિના-ઈન્ડિયા ટ્રેડ કમિશન આ મજબૂત પાયા પર આગળનું મહત્વપૂર્ણ પગલું છે. હવે આ ભાગીદારી કોઈ એક સરકાર સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ વિધાનસભા હેઠળ કાર્યરત સ્થાયી અને દ્વિપક્ષીય સંસ્થા તરીકે લાંબા ગાળે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપશે."

NCINPACના સભ્યોનું માનવું છે કે આ કમિશનની રચના પાછળ તાજેતરમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રાજદૂત નામગ્યા ખમ્પાના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળની રેલી મુલાકાતનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. મે મહિનામાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન ગવર્નર જોશ સ્ટાઇન સહિત રાજ્યના ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી.

ભારતીય પ્રતિનિધિમંડળે ત્રણ દિવસ દરમિયાન ઉત્તર કેરોલિનાની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન અને નવીનતા ક્ષેત્ર, કુશળ માનવબળ અને વ્યવસાયને અનુકૂળ વાતાવરણની નજીકથી મુલાકાત લીધી હતી.

કમિશનની રચના અંગે રાજદૂત નામગ્યા ખમ્પાએ 'ઇન્ડિયા અબ્રોડ'ને જણાવ્યું કે, "અમે ઉત્તર કેરોલિના સાથે લાંબા ગાળાનો સહયોગ વધારવા આતુર છીએ અને ભવિષ્યમાં આ દિશામાં વધુ કામ કરીશું."

આ રાજદ્વારી મુલાકાતનો અંત 'ઇન્ડિયા અબ્રોડ' દ્વારા આયોજિત સમુદાય સંવાદ સાથે થયો હતો, જેમાં વેપાર, સંસ્કૃતિ અને ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ખાસ કરીને ઉત્તર કેરોલિના અને રેલીને ભારત-અમેરિકા વેપારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

NCINPACના અધ્યક્ષ વિકાસ ખારોડેએ જણાવ્યું કે, "અમને વિશ્વાસ છે કે નોર્થ કેરોલિના-ઈન્ડિયા ટ્રેડ કમિશન અમેરિકા અને ભારત વચ્ચે એક સશક્ત સેતુ બનશે. વેપાર, રોકાણ, શિક્ષણ, ટેક્નોલોજી, આરોગ્ય, કૃષિ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં નવા અવસર ઊભા થશે, જે બંને દેશોના ઉદ્યોગો અને સમાજને લાભ પહોંચાડશે."

NCINPACના પૂર્વ સહ-અધ્યક્ષ ભરત વેદકે જણાવ્યું કે, "2008માં સ્થાપના પછીથી NCINPAC હંમેશા દ્વિપક્ષીય અભિગમ સાથે કાર્યરત રહ્યું છે. અમારા સમુદાયમાં બંને મુખ્ય રાજકીય પક્ષોના સભ્યો છે અને અમે દરેક પક્ષના નેતાઓ સાથે મળીને ભારતીય અમેરિકનોના હિતમાં કામ કરીએ છીએ. નોર્થ કેરોલિના-ઈન્ડિયા ટ્રેડ કમિશનની સ્થાપના આ દ્વિપક્ષીય પ્રતિબદ્ધતાનો મજબૂત પુરાવો છે."

ડૉ. ભાસ્કર વેનેપલ્લીએ જણાવ્યું કે, "આ ટ્રેડ કમિશન બાયોટેક્નોલોજી, લાઇફ સાયન્સ અને માહિતી ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારત અને ઉત્તર કેરોલિના વચ્ચેના સહયોગ માટે ઐતિહાસિક તક સાબિત થશે. ઉત્તર કેરોલિનાની બાયોટેક્નોલોજી અને ભારતના વૈશ્વિક ફાર્મા તથા ટેક ક્ષેત્ર વચ્ચેની ભાગીદારી રોજગારી અને લાંબા ગાળાની આર્થિક સમૃદ્ધિ માટે મજબૂત આધાર બનશે."

સુભાષ ગુમ્બરે અંતમાં જણાવ્યું કે, "ઉત્તર કેરોલિના અને ભારત બંનેના આર્થિક વિકાસ અને નવીનતા ક્ષેત્રોમાં અનેક સમાનતાઓ છે. આરોગ્ય, શિક્ષણ, માહિતી ટેક્નોલોજી, વૈકલ્પિક ઊર્જા, કૃષિ અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં બંને પ્રદેશોની ક્ષમતાઓ એકબીજાને પૂરક છે. આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો અવસર અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ અવસર છે."

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?